ધારાપુર સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ચાલતી લાલિયાવાડી !!

(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૩૧
રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પાટણ શહેર, જિલ્લા અને ઉત્તર ગુજરાતના લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે પાટણ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલની સેવાઓ બંધ કરી તેના ભોગે ૧૦ કિમી દૂર આવેલ ધારપુર ખાતે સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનાવવામાં આવી છે. પરંતુ નિષ્ણાંત તબીબોની નિમણૂકના અભાવે દર્દીઓને પૂરતી સારવાર નહીં મળતી હોવાની ફરિયાદોને લઈ પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ અને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પત્રકારોને સાથે રાખી ધારપુર સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની મુલાકાત લેતાં નિષ્ણાંત તબીબોની ઘટ, ફરજ પરના તબીબો પણ ગેરહાજર, સરકાર દ્વારા નિયુક્ત કરાયેલ એજન્સીઓના સંચાલકો દ્વારા કર્મચારીઓનું શોષણ, મેડિકલ કોલેજમાં અનિયમિત રીતે લેકચરો તેમજ મેડિકલ કોલેજના ડીન અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ વચ્ચે સંકલનનો સદંતર અભાવ જેવી અનેક ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ થયો હતો. લોકોના આરોગ્યની સુખાકારી માટે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી હોસ્પિટલના ખાડે ગયેલા વહીવટ તથા જ્યાં ભાવિ ડોક્ટરોનું ઘડતર થાય છે તેવી મેડિકલ કોલેજમાં ચાલતી લાલિયાવાડીના મામલે વિધાનસભામાં રજૂઆત અને કર્મચારીઓના શોષણ મામલે પોલીસ ફરિયાદ કરવાની ધારાસભ્ય ડો.કિરીટ પટેલે ચીમકી ઉચ્ચારી હતી.
જામનગર, અમદાવાદ તેમજ વારાહીથી આવેલા અરજદારોએ જણાવ્યું હતું કે, બેથી ત્રણ વખત ધક્કા ખાવા છતાં ડોક્ટરના અભાવે હજુ સુધી અપંગનું પ્રમાણપત્ર મળ્યુંનથી. વારાહીના ભરતભાઈ સોલંકી નામના અપંગે જણાવ્યું હતું કે આ મારો ત્રીજો ધક્કો છે છતાં આજે પણ ડોક્ટર હાજર નહીં હોવાથી મને અપંગનું પ્રમાણપત્ર મળ્યું નથી.
ધારપુર સિવિલ હોસ્પિટલમાં આવેલી બ્લડબેંક પણ છેલ્લા ૧પ દિવસથી બંધ કરવામાં આવેલી છે. રકતની જરૂર ઊભી થાય ત્યારે સિદ્ધપુર, ઉંઝા, મહેસાણાથી મંગાવવામાં આવે છે. ગંભીર અકસ્માતના કેસોમાં બ્લડની જરૂરિયાત ઊભી થાય અને ઉપલબ્ધ ન હોય તો કેવી સ્થિતિ સર્જાય ? તેની કલ્પના જ કરવી રહી ??

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks