નવા મહારાષ્ટ્ર ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, ૨૦૨૬ અંગે મદનીએ ચિંતા વ્યક્ત કરી
(એજન્સી) તા.રર
જમીઅત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ મહારાષ્ટ્ર ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, ૨૦૨૬ અંગે ભારે અસંતોષ અને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ચેતવણી આપી છે કે આ કાયદાની કેટલીક જોગવાઈઓ બંધારણ દ્વારા આપવામાં આવેલી અંતરાત્માની સ્વતંત્રતા, ધાર્મિક આઝાદી, ગોપનીયતા અને વ્યક્તિગત સ્વાયત્તતાના રક્ષણને જોખમમાં મૂકે છે.
મદનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની સાચી તાકાત તેની ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતામાં રહેલી છે. તેમણે યાદ અપાવ્યું કે બંધારણની કલમ ૨૫ હેઠળ દરેક નાગરિકને પોતાની પસંદગીનો ધર્મ માનવા અને તેનો પ્રચાર કરવાનો મૂળભૂત અધિકાર મળેલો છે. તેમણે ઉમેર્યું કે, “જો કોઈ વ્યક્તિ પોતાના ધર્મની પસંદગી કરવા માટે મુક્ત ન હોય તો બંધારણની કલમ ૨૫ તેનો અર્થ ગુમાવી દે છે.”તેમણે નોંધ્યું કે મહારાષ્ટ્રે ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પહેલાથી અમલી બનેલા કાયદાઓની તર્જ પર જ આ નવો કાયદો બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે જમીઅત ઉલેમા-એ-હિંદે આ તમામ રાજ્યોના કાયદાઓને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા છે. મદનીએ ખાસ કરીને આ કાયદામાં આપેલી “લોભ-લાલચ’’ અને “કપટપૂર્ણ ધર્મ પરિવર્તન”ની અસ્પષ્ટ વ્યાખ્યાઓ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે આવી ભાષા સામાન્ય ધાર્મિક શિક્ષણ અને ધર્મપ્રચારને પણ ગુનાહિત શ્રેણીમાં મૂકી શકે છે. મુક્તિ, પરલોક અને આત્મિક લાભ અંગેની માન્યતાઓ દરેક ધર્મનો આવશ્યક ભાગ છે, જેને લાલચ તરીકે ન ગણવી જોઈએ.આ ઉપરાંત, મદનીએ ધર્મ પરિવર્તનના કિસ્સામાં ઔપચારિક જાહેરનામા, પોલીસ તપાસ અને અંગત માહિતી જાહેર કરવાની શરતોની પણ આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ પગલાં વ્યક્તિગત સ્વતંત્રતા પર અયોગ્ય બોજ નાખે છે અને રાજ્યને નાગરિકના અંગત વિવેકનું આખરી નિર્ણાયક બનાવી દે છે. અન્ય રાજ્યોના અનુભવોનો હવાલો આપતાં તેમણે ચેતવણી આપી હતી કે આ કાયદાનો દુરુપયોગ કરીને બિનજરૂરી ગુનાહિત કાર્યવાહી અને મનસ્વી ધરપકડો થઈ શકે છે. જમીઅત ઉલેમા-એ-હિંદ બળજબરી કે છળકપટથી થતા ધર્મ પરિવર્તનને રોકવાના પ્રયાસોનું સમર્થન કરે છે, પરંતુ મદનીએ આગ્રહ રાખ્યો હતો કે ધાર્મિક સ્વતંત્રતાના નામે બનાવાયેલો કાયદો જ તે સ્વતંત્રતાને છીનવવાનું અથવા કોઈ ખાસ સમુદાયને લક્ષ્ય બનાવવાનું સાધન ન બનવો જોઈએ. તેમણે અદાલતો અને લોકશાહી સંસ્થાઓને આ કાયદાના ઉદ્દેશ્યની સાથે સાથે તેનાથી ઊભા થતા સત્તાના દુરુપયોગ અને વ્યવહારિક પરિણામોની ગંભીર તપાસ કરવા વિનંતી કરી છે.