(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૧
અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં તા.૦૪/૦૭/ર૦૧૯, ગુરૂવારે સવારે ૯ કલાકે ચારશેરીમાં આવેલ શ્રી કૃષ્ણ મંદિરેથી રથયાત્રા કાઢવામાં આવશે. જેમાં શણગારેલી ટ્રકો ભજન મંડળી સાથે ભાવિક ભક્તો સામેલ થશે. આ રથયાત્રા શિવજી મંદિર, મીઠીકૂઈ, દિવાની કોર્ટ, સોનાર કૂઈ, ગનીપુર, રેનવાડા, ડબગરવાડથી ટાવર બજાર ચોકમાં આવશે. જ્યાં ધોળકા શહેર શાંતિ સમિતિના હિન્દુ-મુસ્લિમ સભ્યો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ આ રથયાત્રા મોહંમદી સ્કૂલ, સ્વામીનારયણ મંદિર રોડથી નવી નગરપાલિકા પહોંચશે. જ્યાં ધોળકા નગરપાલિકા દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ રથયાત્રા કલીકૂંડ ખાતે બપોરે બે વાગે પહોંચશે. જ્યાં બે કલાકના વિરામ બાદ સાંજે ચાર વાગે આ રથયાત્રાનું ગુંદરા, ખોખર ચકલા, દરજીઓળથી લકીચોકમાં આવશે. જ્યાં પીર ભડિયાદ ઉર્ષ કમિટીના ઉપપ્રમુખ ઈસ્માઈલભાઈ લકીવાલા તથા અન્ય આગેવાનો સ્વાગત કરશે. ત્યાંથી રથયાત્રા મ્યુ.દવાખાના, પંચશીલ, ખારાકૂવાથી સાંજે ૯ વાગે નીજ મંદિરે પરત ફરશે. આ રથયાત્રા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ધોળકા ડિવિઝનના ડીવાયએસપી બળદેવસિંહ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન મુજબ ધોળકા ટાઉન પીઆઈ એલ.બી.તડવી દ્વારા રથયાત્રાનો જરૂરી બંધોબસ્તમાં ડીવાયએસપી-૧, પીઆઈ-ર, પીએસઆઈ-૧૧, પોલીસ કોન્સટેબલ-૧૧૧,મહિલા પોલીસ-રપ ઉપરાંત હોમગાર્ડ અને જીઆરડીના જવાનો અને એસઆરપી પણ તૈનાત કરાશે.