સુરેન્દ્રનગર, તા.ર૩
ધ્રાંગધ્રા સિટી પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મી સામે સિટી પી.આઈ એન.કે. વ્યાસે પોલીસ કેસ કર્યો હતો. આ કેસમાં ખુદ ફરિયાદી પીઆઈ બન્યા હતા. ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા ઘણા સમયથી દારૂ, જુગાર, ચોરી જેવી અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી છે. હવે તો ધ્રાંગધ્રામાંથી ઈંગ્લિશ દારૂ પણ છાશવારે ઝડપાઈ જાય છે. એવામાં સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ જી. જાડેજા કમ્પાઉન્ડમાંથી દારૂ પીધેલી હાલતમાં જતા હોવાથી ધ્રાંગધ્રા સિટી પીઆઈ એન.કે. વ્યાસ દ્વારા પીધેલી હાલતમાં ઝડપી લઈ સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. પોતાના જ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી સામે કેસ દાખલ કરી દઈ કાર્યવાહી કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ મામલાને જિલ્લા પોલીસ વડા દીપકકુમાર મેઘાણીએ ગંભીરતાથી લઈ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલ પોલીસકર્મીને તાત્કાલિક સસ્પેન્ડ કર્યો છે.