કામરેજ, તા. ૧૪
કામરેજના કોસમાડીમાં ચાલી રહેલ રેલવે લાઈનમાં આવતા નડતરરૂપ બાંધકામો અને વૃક્ષો કાપવાના કામમાં ગામના સરપંચ સહિત અન્ય ત્રણ જણાએ આવી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
બનાવની વિગત અનુસાર પીપલોદ ખાતે રહેતા અને છેલ્લા છ વર્ષથી ડેડીકેટેડ ફાઈટ કોરીડોર કોર્પોરેશન ઈન્ડિયા લિમિટેડ રેલવેમાં ઉપ પરિયોજના પ્રબંધક અધિકારી તરીકે નોકરી કરતા આશીષભાઈ છોટેલાલ કલમ રેંજના કોસમાડીમાં વૃક્ષો તથા બાંધકામ તોડવાનું ચાલુ હોય તા.૧૩-ર-૧૮ના રોજ સવારે ૧૧ વાગ્યાના સુમારે કામ ચાલુ કરવા તેઓ જેસીબી સાથે ડ્રાઈવર રાજુભાઈ તથા નટવરસિંહ સાથે પોલીસના બે કર્મીઓ સાથે ગયા હતા. વૃક્ષો કાપવાનું તથા ખેતીના સાધનો મુકવાના રૂમ તોડવાનું શરૂ કરાતાં આશરે પોણાબારેક વાગ્યાના સુમારે જમીન માલિક ધનસુખભાઈ પટેલ પુત્ર અને સરપંચ અનંતભાઈ પટેલ પત્ની વૈશાલીએ આવી તમે કોને પૂછીને અહી પગ મુકેલ છે. કોને પૂછીને છાપરૂં પાડ્યું છે. કોર્ટમાં કેસ ચાલુ છે, આ જમીન અમારી છે તમે અહીંથી નીકળી જાઓ. તારા ટાંંટિયા તોડી નાંખીશ આજે તો તને પતાવી જ દઈશું તેવી મારી નાખવાની ધમકી આપતા આશીષભાઈએ કામરેજ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પોલીસ આવી પહોંચતા તમામ લોકો ભાગી છુટ્યા હતા. જેથી આશીષભાઈએ કોસમાડીના સરપંચ સહિત કુટુંબના ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.