નબળા કાયદાઓને લીધે મહિલાઓ પર બળાત્કાર અને અત્યાચાર વધી ગયા છે : પૂર્વ ડાકુ પંચમસિંહ

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૩
ડાકુ જીવન દરમ્યાન અમે મહિલાઓનું સન્માન કરતા. ગીરોહનો કોઈ સભ્ય જો મહિલાની છેડતી કરે તો તેને જીવતો સળગાવી દેવામાં આવતો. અત્યારે નબળા કાયદાઓને લીધે મહિલાઓ ઉપર બળાત્કાર અને અત્યાચાર વધી ગયા છે. અમે અમીરોને લૂંટી ગરીબોમાં વહેંચી દેતા. સમાજે કરેલા અન્યાયને લીધુ ડાકુ જીવન અપનાવેલું. ઈશ્વર કૃપાથી નવજીવન પ્રાપ્ત થયું છે. હવે સમાજ સેવા જીવનભંંગ માની સમગ્ર જીવન બ્રહ્મકુમારીઝ સંસ્થાને સમર્પિત કર્યું છે. તેમ એક જમાનામાં મધ્યપ્રદેશના ચંબલ ઘાટીમાં જેની હાંક વાગતી હતી તેવા ખુંખાર ડાકુ પંચવસિંહ ચૌહાણે ‘‘ગુજરાત ટુડે’’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું.
૧૯૭રમાં જયપ્રકાશ નારાયણના પ્રયાસોથી મ.પ્ર. ચંબલ ઘાટીના ખુંખાર ડાકુઓએ આત્મસમર્પણ કર્યું હતું. તેમાં એક પંચમસિંહ ચૌહાણ પણ હતા. આઠ વર્ષની જેલની સજા થયેલી. તે સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ બ્રહ્મકુમારી બહેનોને કહેલું કે જેલમાં સજા કાપી રહેલા ડાકુઓનું જીવન સુધરે તેવા પ્રયાસો કરો. આથી બ્રહ્મકુમારીઝ સંસ્થાની બહેનો જેલમાં જઈ ડાકુઓને આત્મ જ્ઞાન આપ્યું હતું. ડાકુઓના હૃદય પરિવર્તન કરાવ્યા. પંચમસિંહ પણ તેમાંના એક હતા. તેમણે પોતાનું આખું જીવન બ્રહ્માકુમારી સંસ્થાને સમર્પિત કર્યું છે અને લોકસેવાનું કાર્ય કરી રહ્યા છે. તેમની ઉંમર ૯૪ વર્ષની હોવા છતાં એકદમ તંદુરસ્ત છે.
‘ગુજરાત ટુડે’ સાથેનછ વાતચીત દરમ્યાન તેમણે કહ્યું કે મધ્યપ્રદેશના ભિંડ જિલ્લા સ્થિત સીંગપુરા ગામ મારૂં વતન છે. મારી ઉંમર ૧૪ વર્ષની હતી. ૧૯પ૮માં ગ્રામપંચાયતની ચૂંટણી હોવાથી બે પક્ષ સામસામે હતા. સામા પક્ષના માણસોએ મારા પિતાને ખૂબ માર માર્યો. મને પણ માર્યો. અમે મરતા મરતા બચ્યા. પોલીસે અમારૂં સાંભળ્યું નહીં. બીજે દિવસે અન્યાય સામે લડવા બિહડની વાટ પકડી ચંબલ ઘાટી અમારા ગામને અડીને આવેલી છે. તે સમયે ડાકુ મોહરસિંહની હાંક વાગતી હતી. મેં તેમની ટોળકીમાં સામેલ થઈ બંદૂક ઉઠાવી. ગામમાં જઈ મારા પિતા અને માને મારનારને બંદૂકના ભડાકે ઢળી દીધા. ત્યારથી ડાકુજીવનની શરૂઆત થઈ. ૧૯પ૮થી ૧૯૭ર ૧૪ વરસ સુધી ચંબલ ઘાટી ધમરોળી ૧૦૦ હત્યા કરી. અનેક લૂંટ કરી અલગ ટોળકી બનાવી ધાક જમાવી હતી.
૧૯૭રમાં જયપ્રકાશ નારાયણના પ્રયાસોથી ચંબલના ડાકુઓ શરણે આવ્યા. અમારી શરતો સરકાર માન્ય રાઅી. આઠ વર્ષની જેલ થઈ. તે દરમ્યાન બ્રહ્મકુમારીઝની બહેનોને કારણે જીવન પરિવર્તન થયું.
પંચમસિંહના પરિવરમાં બે પુત્રો સંતોષસિંહ ચૌહાણ અને દેવેન્દ્રસિંહ ચૌહાણ તેમને બે પુત્રીઓ છે. આખો પરિવાર બ્રહ્મકુમારી સંસ્થાને સમર્પિત થયેલો છે.
બ્રહ્મકુમારીઝ અટલાદરા સંસ્થાના મુખ્ય સંચાલિકા અરૂણા દીદીએ જણાવ્યું હતું કે પંચમસિંહનું રોજ યોગના આધારે જીવન પરિવર્તન થયું છે. જો એક ખુંખાર ડાકુનું જીવન બદલાય તો સામાન્ય વ્યક્તિનું કેમ ન બદલાય ? વિશ્વને સ્વર્ગ બનાવવાનું કાર્ય કરવું જોઈએ. પરિવર્તન દ્વારા વિશ્વ કલ્યાણ તરફ પ્રયાસ કરી શકાય.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts