ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ વાસે

ઈસ્લામી શિક્ષા અનુસાર મુસલમાનો પર અનિવાર્ય કરવામાં આવેલી ઈબાદતોમાં સૌ પ્રથમ ઈબાદત નમાઝ છે. કુર્આનમાં આના માટે ‘સલાત’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જો નમાઝની વાસ્તવિકતાનું અધ્યયન કરવામાં આવે તો આપણને એ જ્ઞાત થાય છે કે દિવસમાં પાંચ વખત એક મનુષ્ય પોતાના કર્મો દ્વારા આ જ વાતોનું અમલીકરણ કરે છે, જેની ઉપર તેનો વિશ્વાસ છે. અર્થાત અલ્લાહ એક છે, માત્ર તેની જ ઈબાદત કે બંદગી થવી જોઈએ તેથી તેની જ પાસેથી સહાયતા કે મદદ માંગવી જોઈએ.
નમાઝ વાસ્તવમાં ઈમાનની અભિવ્યક્તિ છે. આ જ કારણ છે કે લગભગ તમામ પયગમ્બરોએ નમાઝનું શિક્ષણ આપ્યું છે અને કુર્આનમાં લગભગ એકસો કરતાં પણ વધારે સ્થળોએ નમાઝ પઢવાનો આદેશ આપવામાં આવ્યો છે.
નમાઝ દ્વારા આપણને આપણા અલ્લાહની ઈબાદતનું સૌથી ઉત્તમ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. કેમ કે નમાઝ જ એક માત્ર ઈબાદત એવી છે કે તેના દ્વારા આપણે ઊભા થઈને, ઝૂકીને, બેસીને તથા જમીન ઉપર પોતાનું માથું ટેકવીને પોતાને વાસ્તવિક ઉપાસક (ઈબાદત કે બંદગી કરનાર) હોવાની સ્વીકૃતિનો પુરાવો આપે છે. જેનાથી મનુષ્યની અંદરથી અહમ્‌ અને અહંકારનું સમાપન થાય છે. આ જ રીતે પોતાના અલ્લાહ પાસેથી સહાયતા માગે છે તથા તેના આદેશોનું પાલન કરવાનો પાઠ દોહરાવે (પુનરાવર્તન કરે) છે.
પ્રતિ દિવસ પાંચ વખત જ્યારે એક મુસલમાન જ્યારે આ દોહરાવે છે(પુનરાવર્તન કરે છે) તો તે પોતાના જીવનના પ્રત્યેક ક્ષણમાં આ અનુભવ કરવા લાગે છે કે અલ્લાહ તેને જોઈ રહ્યો છે. આ રીતે તે પાપથી બચીને પુણ્યની પ્રાપ્તિ તરફ આકર્ષિત થાય છે. હવે તે બુરાઈઓથી બચે છે. કેમ કે તેને ખબર છે કે અત્યારે બીજી નમાઝમાં અલ્લાહ સમક્ષ હાજર થવાનું છે. હવે તે વ્યક્તિ પાસેથી એવી આશા કરવામાં આવે છે કે તે પોતાના જીવનના અન્ય કર્મોમાં પણ અલ્લાહથી ડરશે અને અલ્લાહના આદેશોનું પાલન કરશે. આ જ સંદર્ભમાં ઈસ્લામના અંતિમ પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.) સાહેબનું કથન છે કે નમાઝ બુરાઈઓ કરવાથી રોકે છે.
ઈસ્લામી શિક્ષણ અનુસાર નમાઝને સામૂહિક રીતે પઢવા ઉપર વધારે ભાર આપવામાં આવ્યો છે. વિશેષ કરીને સપ્તાહમાં એક વખત જુમ્આ (શુક્રવાર)ની નમાઝ સામૂહિક રીતે પઢવી અનિવાર્ય કરી દેવામાં આવી છે. નમાઝની આ ઈબાદતથી સમાજને એક મહત્ત્વપૂર્ણ સંદેશો આપવામાં આવ્યો છે કે અલ્લાહની દૃષ્ટિમાં તમામ મનુષ્ય એક સમાન છે. ના કોઈ મોટો છે કે નાનો. સંપૂર્ણ સમાજ પછી તે પૈસાદાર હોય કે ગરીબ, બધા એક સાથે મળીને, એક ઈમામ (નમાઝ પઢાવનાર)ની પાછળ એક જ હરોળમાં ઊભા થઈને પોતાના માલિક અલ્લાહની ઈબાદત કરે છે. એક સાથે ઉઠે અને બેસે છે. આ પ્રક્રિયાથી તેમના હૃદય એકબીજા સાથે મળે છે અને તેઓને એવો આભાસ થવા લાગે છે કે અમો બધા જ ભાઈ-ભાઈ છીએ. આનાથી જ તેઓની અંદર આંતરિક સહાયતા અને સહયોગની ભાવના જન્મે છે. આંતરિક રીતે પોતાની અંદર સહાયતા તથા ભાઈચારાનું એક એવું વાતાવરણ તૈયાર થઈ જાય છે કે ધનવાન (પૈસાદાર) અને નિર્ધન (ગરીબ), નાના અને મોટા, તમામ પ્રકારના અંતર અને ભેદભાવ સમાપ્ત થવા લાગે છે.
નમાઝ મનુષ્યના જીવનમાં અલ્લાહની સાથે પ્રેમ, તેની ઉપર દૃઢ વિશ્વાસ અને તેની આજ્ઞાઓનું પાલન કરવાની સાથોસાથ અનુશાસન (શિસ્ત), સ્વયં પોતાની જાત ઉપર વિશ્વાસ જેવી વિશેષતાઓને જન્મ આપે છે.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks