નવાબંદરમાં વીજળીકરણ માટે લાખોનો ખર્ચ કરવા છતાં અંધારા ઉલેચાતા નથી

ઉના, તા.૧૪
ગુજરાત રાજ્ય સરકાર બંદરોના આધુનિકરણ અને માછીમારોના વિકાસની અનેક યોજના બહાર પાડી અભણ માછીમારોના ઉત્થાનની મોટી-મોટી જાહેરાતો કરી માછીમારોના સાથે મજાક કરતી હોય અને વર્ષોથી મળતી વિવિધ સુવિધાને પણ ઝૂટવી લેવા નવા-નવા પરિપત્ર બહાર પાડી માછીમારીના ઉદ્યોગને કમરતોડ મારમારી તોડી પાડતી હોવાના કારણે માછીમાર સમાજમાં ભારે રોષ ઉઠી રહ્યો છે.
સૌરાષ્ટ્રના છેવાડાના દરિયાકાંઠા પર આવેલા કંઠાળ વિસ્તારના નાના-મોટા મુખ્ય બંદરો વેરાવળ, માંગરોળ, પોરબંદર, નવાબંદર, સૈયદરાજપરા, ધારાબંદર, જાફરાબાદ મહુવા અને ચાંચ બંદરો પર લાખો લોકો દરિયો ખેડી પોતાની રોજી-રોટી મેળવે છે. પરંતુ આવા બંદરોના આધુનિકરણ કરીને વિકાસની વાતો થાય છે. પણ બંદરોમાં ડ્રેજીંગ, જેટી ધક્કા તેમજ બોટની સુરક્ષા હેતુ, પાર્કીંગ તેમજ બંદરોમાં વિજળી, મીઠા પાણી, શિક્ષણ, આવાસ, દરિયાની કિંમતી માછી માટેના કોલ્ડ સ્ટોર રૂમ જેવી એક પણ પાયાની સુવિધા ઉભી કરી શકેલ નથી. માછીમારોના નામે અગિયાર હજાર કરોડની યોજના લાંબા વર્ષો વિત્યા જાહેર પણ કરાય પણ આ યોજનાના નાણાં ક્યાં વાપરવામાં આવ્યાં ક્યાં સુવિધાઓ માછીમારને મળી તેવી એકપણ બાબત બંદર કાંઠા પર જોવા મળતી નથી કે આવી યોજનાની એક પણ વિગત કચેરીમાં માહીતી માંગવામાં આવે છે. તો જવાબ નકારાત્મકમાં મળી રહ્યો છે.
ઉનાના નવાબંદર અને સૈયદરાજપરા જેવા મુખ્ય બંદરની જેટી અને બંદરકાંઠા પર આજથી બે વર્ષ પહેલા બે હાઇમાસ્ટ વીજ લાઇટ ટાવર લાખો રૂપિયાના ખર્ચે ઉભા કરાયાં હતા. આ હાઇમાસ્ટ ટાવર ૨૪ કલાક પણ ચાલ્યા નથી. અને તે બંધ પડ્યા છે. છેલ્લા ચાર વર્ષથી તેની રજૂઆત માછીમાર મંડળ આગેવાનો ગ્રામપંચાયત અને ફિસરીઝ અધિકારીઓને કરવા છતાં લાખો રૂપિયાનાં બંધ પડેલા આ હાઇમાસ્ટ ટાવરને કોઇ રિપેરીંગ કરવા કે તેને ચાલુ કરવા માટે જેતે કંપની દ્વારા જવાબ પણ આપવામાં આવતા નથી. અને મત્સ્યોદ્યોગ વિભાગના તંત્ર આ ટાવર કઇ કંપનીએ ઉભા કર્યા છે. તેની માહિતી પણ તેની પાસે નથી. માત્ર પૂછવામાં આવે તો આ કોન્ટ્રેક્ટ ઉપલી કચેરીએથી આપેલ હોવાનો જવાબ મળી રહ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks