(એજન્સી) જેરૂસલેમ, તા.૧૬
હજારો ઈઝરાયેલીઓએ તેલ-અવીવમાં ભ્રષ્ટાચાર વિરોધી બીજું એક પ્રદર્શન યોજાયું છે. આ પ્રદર્શનમાં જોડાયેલા પ્રદર્શનકારીઓએ એક ઓડિયો ટેપ પ્રકાશિત થયા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુના રાજીમાનાની માગણી કરી છે. આ ઓડિયો ટેપમાં પ્રધાનના પુત્રને ગેસ કરારમાં તેના પિતાની શંકાસ્પદ ભૂમિકા હોવાની બડાઈ હાંકતો સાંભળી શકાય છે. શનિવારે પ્રદર્શનકારીઓ દ્વારા સતત સાતમા અઠવાડિયે પણ આ ભ્રષ્ટાચાર વિરોધી પ્રદર્શન ચાલુ રાખવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓ દ્વારા વડાપ્રધાનની વિરૂદ્ધમાં ‘‘શરમજનક’’, ‘‘બીબી ઘરે જાવ’’, ‘‘ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટશે’’ અને ‘‘ભ્રષ્ટાચારી ઉદ્યોગપતિઓની ભ્રષ્ટાચારી સરકાર’’ જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમના હાથમાં રહેલા બેનરોમાં લખાયેલું હતું. ‘‘ભાઈઓ ભ્રષ્ટાચારના યુદ્ધ સામે લડો’’, ‘‘ભ્રષ્ટાચારમાંથી બહાર આવો’’ અને ‘‘ના ડાબેરીવાદી,‘ના જમણેરીવાદી, માત્ર પ્રામાણિક બનો.’’ આ ભ્રષ્ટાચાર વિરોધી પ્રદર્શન ઉપરાંત હૈફા અને અફુલા સહિત અન્ય શહેરોમાં શનિવારે લાંચ વિરોધી પ્રદર્શનો પણ યોજાયા હતા.
તેલ-અવીવમાં શાસન વિરોધી પ્રદર્શનકારીઓ અને જમણેરી પાંખના ઈઝરાયેલીઓ દ્વારા પ્રતિ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આ બંને પ્રદર્શનના પ્રદર્શનકારીઓ વચ્ચે સામાન્ય ધક્કામુક્કી પણ સર્જાઈ હતી. આ પ્રદર્શન ત્યારથી ચાલી રહ્યું છે કે જ્યારથી એક ઈઝરાયેલી ચેનલ દ્વારા નેતાન્યાહુના મોટા પુત્ર યેર દ્વારા મહિલાઓની ઉપેક્ષા કરનારી ટિપ્પણી અને ગેસના વેપારી કોબી મૈમોનના પુત્ર ઓરી દ્વારા તેને આપવામાં આવેલા ઉછીના પૈસા વગેરેની વિગતો સાંભળી શકાતી એક ઓડિયો ટેપ જાહેર કરાઈ છે ત્યારથી આ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ ટેપમાં રેકોર્ડ થયેલા અવાજમાં યેરને એવું બોલતા સાંભળી શકાય છે કે, તેણે ગેસના વેપારીના પુત્રને કહ્યું કે, ‘મારા પિતાએ તારા પિતા માટે ર૦ બિલિયન ડોલરની વ્યવસ્થા કરી છે તું મને ૪૦૦ શેકલ્સ (૧૧૬ ડોલર) આપી શકે છે.’ આ ટેપ પ્રકાશિત થયા બાદ, નેતાન્યાહુના પુત્રએ આ વિશે ફરિયાદ કરતાં નિવેદન આપ્યું કે, આ ટેપને ગેરકાયદેસર રીતે મેળવવામાં આવી છે, પરંતુ હું મારી ટિપ્પણી બદલ માફી માંગું છું.