નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો બળાપો : વાત સત્તાની નથી સ્વાભિમાનની છે

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૩૦
ગુજરાતમાં ભાજપની નવી સરકારમાં ખાતાઓની ફાળવણીથી લઇ પોતાની ગંભીર ઉપેક્ષાને લઇ બે દિવસથી નારાજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે સાંજે આખરે મૌન તોડયું હતુ અને પોતાની વેદના ઠાલવી હતી. નીતિન પટેલે ઢીલા સ્વરે પરંતુ મક્કમતા સાથે સ્પષ્ટ કર્યું હતું કે, હું ભાજપ પાર્ટી નહી છોડું, છેલ્લા ૪૦ વર્ષોથી મેં ભાજપ માટે મહેનત કરી છે. આ માત્ર ખાતાઓની વાત નથી પરંતુ વાત સ્વાભિમાન અને સ્વમાનની છે. મને વિશ્વાસ છે કે, પાર્ટી યોગ્ય નિર્ણય લેશે. જેમણે મને શુભકામના પાઠવી અને મારી ચિંતા કરી તે તમામનો આભાર માનું છું. નીતિન પટેલની નારાજગી અને રિસામણાને લઇ છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને ભાજપમાં હાઇ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. નીતિન પટેલ બે દિવસથી તેમની ઓફિસ પણ ગયા ન હતા અને તેમના નિવાસસ્થાને જ નારાજ થઇને બેઠા હતા. જયાં છેલ્લા બે દિવસથી પાટીદાર સમાજના આગેવાનોથી માંડી દિગ્ગજ મહાનુભાવોએ નીતિન પટેલની શુભેચ્છા મુલાકાત લઇ તેમને આ નારાજગી પળોમાં સાથ અને ટેકાની હૈયાધારણ આપી હતી. ભાજપની નવી રૂપાણી સરકારમાં ફરી એકવાર પોતાની ઉપેક્ષા અને થયેલા અન્યાયને લઇ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ વખતે આક્રમક મુડમાં જોવા મળ્યા હતા. નીતિન પટેલના રિસામણાંને લઇ ગુજરાત રાજકારણમાં ફરી એકવાર જોરદાર ગરમાવો આવી ગયો હતો. એટલે સુધી કે, નીતિન પટેલ રાજીનામુ ધરી દેશે અને જરૂર પડયે કોંગ્રેસમાં પણ જોડાઇ શકે છે તેવી અફવાઓ અને અટકળોનું બજાર ગરમ થયું હતું. જેની ભાજપના હાઇકમાન્ડને પણ નોંધ લેવી પડી હતી, વાત એટલી હદ સુધી વધી હતી. ભાજપ મોવડીમંડળ દ્વારા બે દિવસમાં નીતિન પટેલની નારાજગી દૂર કરી તેમને મનાવી લેવાય તેવી પણ શકયતા પ્રવર્તી રહી છે. બે દિવસના મૌન બાદ આજે સાંજે નીતિન પટેલે મીડિયા સમક્ષની વાતચીતમાં પોતે ભાજપ છોડશે નહીં તેમ જણાવતા કહ્યું હતું કે વાત મારા સન્માનની છે સત્તાની નહિ. મારી લાગણી મેં હાઇકમાન્ડ સમક્ષ રજૂ કરી છે મને વિશ્વાસ છે કે, પાર્ટી યોગ્ય નિર્ણય લેશે. મારી વાતને લઇ હાઇકમાન્ડ ગંભીર છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, આ તેમનો આંતરિક વિવાદનો મામલો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks