ગાંધીનગર, તા.૧૭
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સારા વહીવટ અને તેની દેખરેખ માટે દરેક જિલ્લાઓમાં મંત્રીઓને પ્રભારી તરીકે નિમવામાં આવે છે તે મુજબ જ નવી સરકારના મંત્રીઓને પણ જે-તે જિલ્લાના પ્રભારી તરીકેની કામગીરી સોંપવાની આજે જાહેરાત કરવામાં આવી હતી. જિલ્લાઓના સુવ્યવસ્થિત વહીવટ અને તેના ઉપર ઉચ્ચ કક્ષાએ દેખરેખ રહે તે માટે સરકાર દ્વારા મંત્રીમંડળના મંત્રીઓને જિલ્લાના પ્રભારી તરીકે જવાબદારી આપવામાં આવી છે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને વડોદરા તથા ખેડા જિલ્લાના પ્રભારી બનાવાયા છે. તે પછીના કેબિનેટ મંત્રીઓ આર.સી. ફળદુને અમદાવાદ અને અમરેલીના તથા ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રાજકોટ-ભાવનગર જિલ્લાના પ્રભારી બનાવાયા છે. એ જ રીતે અન્ય કેબિનેટ મંત્રીઓ તથા રાજ્ય કક્ષાના મંત્રીઓને વિવિધ જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ પ્રભારી મંત્રીઓએ જે-તે જિલ્લાની સમયાંતરે મુલાકાત લઈ જિલ્લાના વહીવટી પ્રશ્નો અને તેના નિકાલ અંગેની કામગીરી જોઈ જરૂરી માર્ગદર્શન આપવાનું રહેશે.