રમઝાનના મહિના બાદ જે ચાંદ દેખાય છે તેને ઈદનો ચાંદ કહેવાય છે. અલ્લાહતઆલાના હુકમથી જ્યારે તમે રમઝાનના રોઝા પૂરા કરી લો પછી અલ્લાહની પ્રશંસા કરો. ઈદને મીઠી ઈદ પણ કહેવાય છે. ઈદના દિવસે સવારે નમાઝ પહેલાં ખજૂર કે ખારેક અથવા અન્ય કોઈ મીઠી ચીજ ખાવી સુન્નત છે. આ દિવસે રોઝો રાખવો મનાઈ છે, કેમ કે અલ્લાહે આ દિવસને ખુશી મનાવવા માટે નક્કી કરેલ છે. સ્વયંપણ ખાવું-પીવું અને ખવડાવવું, ખીરસેવઈયાં ખાવી, મીઠાઈઓ ખાવી અને ખવડાવવી આ દિવસનો અમલ છે. પયગમ્બર-એ ઈસ્લામ (સ.અ.વ.) જ્યારે મદીનામાં હિઝરત કરીને આવ્યા તો તેમણે જોયું કે ત્યાંના લોકો વરસમાં બે તહેવાર મનાવે છે, જેનું નામ હતું. મહેરગાન અને નીરોજ, જ્યારે પયગમ્બર આપ (સ.અ.વ.) મદીનામાં આવ્યા તો તેમણે કહ્યું કે આ તહેવાર હવે મનાવવામાં નહીં આવે, પણ એની જગાએ અલ્લાહે મુસલમાનોને બે તહેવાર મનાવવાનો હુકમ આપ્યો અને તે છે. ઈદ-ઉલ-ફિત્ર અને ઈદ- ઉલ અઝહા, જેને બકરી ઈદ પણ કહે છે. ઈદના દિવસે મુસલમાન સવારે નાહીને સાફ કપડાં પહેરી, અત્તર, સુરમો લગાવીને અને મિસ્વાક કરી ‘અલ્લાહ હો અકબર’ તકબીર પઢતા ઈદની નમાઝ માટે મસ્જિદોમાં જાય છે. ત્યાં બે રકાત નમાઝ ઈદ-ઉલ-ફિત્ર પઢે છે, અલ્લાહથી દુઆઓ કરે છે. નમાઝ બાદ ઈમામ ખુત્બો (ધાર્મિક વ્યાખ્યાન) પઢે છે. તેમાં મુસલમાનોને ઈદના દિવસ માટે જરૂરી વાતો બતાવે છે. તેઓને આ તાકીદ કરે છે કે જે રીતે તમે રમઝાનમાં રોઝા રાખો અને તરાવીહ નમાઝ પઢો અને દાન-પૂણ્ય કર્યું, તે જ રીતે તમારે આવનાર જીવનમાં પણ અલ્લાહના હુકમને માનવાનો છે અને પયગમ્બર (સ.અ.વ.)ની બતાવેલી વાતો પર તેમની સુન્નતો પર અમલ કરવાનો છે. યાદ રાખો, કયામતના દિવસે તમારે અલ્લાહની સામે હાજર થવાનું છે. તે એ પણ બતાવે છે કે જે રીતે આજે તમે સ્વયંને પાક-સાફ કર્યા છે, એ પ્રકારે તમે તમારા હૃદયને પણ પાક-સાફ કરો અને જે રીતે તમે અહીં એકઠા થઈને નમાઝ પઢી રહ્યા છો એ પ્રકારે હમેશા હળી- મળીને રહો, એક બીજાના ગળે મળો, ખુશીમાં બધાને સામેલ કરો અને ફિતરો અદા કરો. ફિતરો દરેક બાપ પોતાની અને પોતાની નાબાલિગ બાળકોની તરફથી ગરીબોને આપે છે. એક વ્યક્તિને બે કિલો ૪પ ગ્રામ ઘઉં અથવા તેનો લોટ કે એટલી કિંમતનો ફિતરો કાઢવાનો હોય છે. જો જવ આપવા હોય તો એનાથી ડબલ આપવાના છે. પત્ની અને બાલિગ બાળકો તરફથી પિતા કે પતિ ફિતરો નથી આપતા; બલ્કે પત્ની અને બાલિગ બાળકો સ્વયં આપે છે. જો પિતાના હોય તો બાળકોના દાદા ફિતરો આપશે. ફિતરો આપવો ફર્ઝ છે. આ ગરીબ લોકોને પોતાની ખુશીમાં સામેલ કરવાની રીત છે. પયગમ્બર (સ.અ.વ.) સાહેબે બતાવ્યું છે કે ફિતરો આપવાથી રોઝા કબૂલ થઈ જાય છે. ઈદના મહિનો (શવ્વાલ માસ)માં છ રોઝા બીજા રાખવામાં આવે છે. જેને શશા (છ) ઈદના રોઝા કહેવાય છે. આ છ રોઝા ઈદના મહિનામાં ક્યારેય પૂરા કરી શકાય છે. ઈદ એક એવો તહેવાર છે, જેમાં લોકોએ એકબીજાથી પ્રેમભાવથી વર્તવું જોઈએ. હકીકતમાં ગળે મળવાનો અર્થ છે. હૃદય સાફ કરવું. ઈસ્લામમાં હૃદયમાં કપટ રાખવું, ઈર્ષા રાખવી ઘણું મોટું પાપ છે. તમારી દરેક ઈબાદત (પૂજા-અર્ચના)થી અલ્લાહ ત્યારે પ્રસન્ન થશે જ્યારે તમારું હૃદય ચોખ્ખું હશે. ઈદ અલ્લાહ તરફથી ભેટનો-ઈનામનો દિવસ છે. રોઝા રાખ્યા બાદ જે મુસલમાન અલ્લાહનું ઈનામ મેળવે છે, ખુશી મેળવે છે તેને જ ઈદ કહેવાય છે. સ્વયં પયગમ્બર (સ.અ.વ.) સાહેબ ઈદના દિવસે બધા સાથે ઘણો પ્રેમભાવ રાખતા હતા. ખાસ રીતે જે નિરાધાર લોકો હતા જેમ કે યતીમ (અનાથ) બાળકો કે ગરીબ લોકો તેમનાથી ઘણો પ્રેમભાવથી વર્તાવ રાખતા હતા. વસ્તુતઃ આ તેમની તાલીમ છે કે મુસલમાન ફાલતું ખર્ચ ના કરે, પોતાની ખુશીમાં પૈસા ના ઉડાવે, બલ્કે કોઈ જરૂરતમંદ નિરાધારની મદદ કરીને તેમની દુઆઓ લે. સાચા અર્થમાં આ જ ખુશી છે.
- ડૉ.મુફતી મુકર્રમ અહમદ