નીતિન પટેલ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મુલાકાતની ચર્ચાથી ભાજપમાં દોડધામ

મંગળવારે મોડીરાત્રે બંને નેતાઓ અજાણ્યા સ્થળે મળ્યા હોવાની ચર્ચાથી ખજૂરાહો કાંડની યાદ તાજી

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧પ
શિસ્તબદ્ધ પાર્ટીની વાતો કરતી ભાજપાના શાસનમાં એક દિવસમાં શિસ્તના લીરેલીરા ઉડી ગયા છે. મંત્રીઓને પડતાં મૂકવાની વાત બહાર પડતાં જ સૌથી વધુ નારાજ નં.રનું સ્થાન ધરાવતા નીતિન પટેલ થયા છે. આ બધા વચ્ચે નીતિન પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વચ્ચે ગત મોડીરાત્રે મુલાકાત થઈ હોવાની ચર્ચા વહેતી થતાં ભાજપને ખજૂરાહોની યાદ આવતા જ દોડધામ મચી ગઈ છે.
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બનાવ્યા છે અને વિજય રૂપાણીને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ત્યારથી આંતરિક ડખ્ખાઓ તો શરૂ થઈ ગયા છે. પણ તે જગજાહેર થતાં નથી. આ બાજુ આજે ભૂપેન્દ્ર પટેલની નવી ટીમની એટલે કે મંત્રીમંડળની પણ જાહેરાત થવાની છે. ત્યારે એવી હવા ફેલાઈ છે કે, આ મંત્રીમંડળમાં યુવાન ચહેરાઓને વધારે તક આપવામાં આવશે અને જૂના જોગીએ પડતા મૂકાશે, કેટલાયના પ્રમોશન થવાના છે, તો કેટલાયને ઘરભેગા કરવાના છે આ વાતથી અંદર ધરબાયેલો જવાળામુખી ફાટી બહાર આવી રહ્યો છે.
આ બાજુ રૂપાણી સરકારમાં ડેપ્યુટી સીએમ રહેલા નીતિન પટેલને સૌથી વધારે નુકસાન ગયું હોવાનું માનવામાં આવે છે. હાલમાં ગતરોજ એક મોટી ઘટના ઘટી ગઈ. જે અંતર્ગત નીતિન પટેલ સખત નારાજ હોવાનું સામે આવ્યું છે.
નીતિન પટેલ એકલા જ આવા નેતા નથી, જે આ નવી ઈનિંગ્સથી નારાજ હોય તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, કુંવરજી બાવળિયા પણ સામેલ છે. આ જૂના જોગીઓની નારાજગીને દૂર કરવા માટે રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી બી.એલ. સંતોષ અને ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ત્રણ કલાક સુધી ભારે મહેનત કરવી પડી હતી. આ બાજુ નારાજ થયેલા નીતિન પટેલ ગુજરાતના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાની પડખે થયા હતા. ગતરોજ તેમણે શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી હોવાની એક ચર્ચાએ જોર પકડ્યું છે. મંગળવારે મોડીરાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોઈ અજાણ્યા સ્થળે મળ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. બંને નેતા વચ્ચે લાંબી ચર્ચાઓ થઈ હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. આ વાતની ભાજપના કેટલાય મોટા નેતાઓને ખબર પડતા મોડીરાતે દોડાદોડી થઈ હતી. ભાજપના અમુક નેતાઓએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts