ગાઝામાં ઈઝરાયેલી દળોની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીની સ્પષ્ટતા : હમાસને નિઃશસ્ત્ર કરવા અને ગાઝાને સૈન્યમુક્ત બનાવવાનું લક્ષ્ય હજુ પણ યથાવત્
(એજન્સી) તા.૩
ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુએ ગાઝા પટ્ટીમાં તૈનાત ઈઝરાયેલી સૈન્ય દળોની મુલાકાત દરમિયાન જણાવ્યું છે કે ઈઝરાયેલી સેના હાલમાં પોતાના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાંથી પીછેહઠ કરશે નહીં. આ સાથે જ તેમણે સંકેત આપ્યા હતા કે ઈઝરાયેલ ગાઝામાં પોતાના પ્રાદેશિક નિયંત્રણનો વિસ્તાર વધારવાનો ઈરાદો ધરાવે છે. નેતન્યાહુએ લશ્કરી ચીફ ઓફ સ્ટાફ અયાલ ઝમીર અને સાઉધર્ન કમાન્ડના વડા સાથે “યલો લાઈન” પર આવેલા ઈઝરાયેલી સૈન્ય મથકની સમીક્ષા કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. પોતાના નિવેદનમાં નેતન્યાહુએ ઉમેર્યું હતું કે ઈઝરાયેલ હાલમાં ગાઝા પટ્ટીના આશરે ૬૦ ટકા જેટલા વિસ્તાર પર નિયંત્રણ ધરાવે છે. આ જ વિસ્તારને તેમણે “યલો લાઈન” તરીકે સંબોધ્યો હતો, જે ઓક્ટોબર ૨૦૨૫થી અમલમાં આવેલી યુદ્ધવિરામ વ્યવસ્થા હેઠળ ઈઝરાયેલી સૈન્યની તૈનાતી માટે નક્કી કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ઈઝરાયેલ આ રેખા પર મજબૂત રીતે ટકી રહેશે અને ભવિષ્યમાં ગાઝા પરનું આ નિયંત્રણ વધુ વિસ્તૃત કરવામાં આવશે. નેતાન્યાહુએ જણાવ્યું હતું કે ઈઝરાયેલનો મુખ્ય ઉદ્દેશ્ય હમાસને સંપૂર્ણપણે નિઃશસ્ત્ર કરવાનો અને ગાઝાને સૈન્યમુક્ત બનાવવાનો છે, જેથી તે ઈઝરાયેલ માટે ભવિષ્યમાં ક્યારેય ખતરો ન બની શકે. તેમણે ઉમેર્યું હતું કે આ લક્ષ્ય ઘણે અંશે હાંસલ કરી લેવામાં આવ્યું છે, પરંતુ હજુ પણ ઘણું કામ બાકી છે. ગાઝા ડિવિઝન હેડક્વાર્ટર ખાતે સુરક્ષા સમીક્ષા યોજ્યા બાદ, તેમણે શિન બેટ સ્પેશિયલ ફોર્સના સભ્યો સાથે પણ મુલાકાત કરી હતી, જેમણે ગાઝામાં હમાસના આંતરિક સુરક્ષા માળખાના વડા મુઈન મોહમ્મદ અલ-અરબીદની ધરપકડ કરી છે. પ્રધાનમંત્રી નેતાન્યાહુએ અલ-અરબીદ પર બંધકોને છુપાવવા, હમાસના નેતાઓને સંરક્ષણ પૂરું પાડવા અને ઈઝરાયેલી દળો પર હુમલાનું આયોજન કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, આ આરોપોની સ્વતંત્ર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી. આ સિવાય નેતન્યાહુએ પુનરોચ્ચાર કર્યો હતો કે ઈઝરાયેલ ૭ ઓક્ટોબર ૨૦૨૩ના હુમલા માટે જવાબદાર હમાસના નેતાઓ અને સભ્યોનો પીછો કરવાનું ચાલુ રાખશે.