(એજન્સી) તા.૯
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ ગાઝામાંથી પેલેસ્ટીનીઓને વિસ્થાપિત કરવાના વિચારને "સારા વિચાર" તરીકે વર્ણવ્યો છે, જ્યારે ટ્રમ્પે જાહેર કર્યું છે કે તેમને ઇઝરાયેલના પડોશી દેશોનો સહયોગ છે. મંગળવારે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને નેતાન્યાહુ વચ્ચેની સંયુક્ત બેઠક દરમિયાન આ વાત સામે આવી છે. મીટિંગમાં જણાવાયું કે ફરજિયાત વિસ્થાપન માટેની યોજના, જેનો ટ્રમ્પે ફેબ્રુઆરીમાં પ્રસ્તાવ મૂક્યો હતો અને બાદમાં નેતાન્યાહુ સરકાર દ્વારા અપનાવવામાં આવ્યો હતો, તે હજી પણ સક્રિય વિચારણા હેઠળ છે. ગાઝાની વસ્તીને સ્થાળાંતરિત કરવાના ટ્રમ્પના ફેબ્રુઆરીના પ્રસ્તાવ અંગેના પ્રશ્નના જવાબમાં, નેતાન્યાહુએ જણાવ્યું કે "ગાઝામાંથી લોકોને બહાર કાઢવાનો વિચાર સારો છે." તેમણે વધુમાં જણાવ્યું કે "જે કોઈ છોડવા માંગે છે, તેને જવા દો. જે રહેવા માંગે છે, તેને રહેવા દો" અને ઉમેર્યું, "અમે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે મળીને એવા દેશો માટે જોઈ રહ્યા છીએ જે પેલેસ્ટીનીઓને વધુ સારૂં ભવિષ્ય પ્રદાન કરી શકે અને અમે આ લક્ષ્યની નજીક જઈ રહ્યા છીએ." સંભવિત યુદ્ધવિરામ દરમિયાન સ્થાપિત કરી શકાય તેવા પ્રસ્તાવિત "તંબુ શહેર"ની અંદર, ઇઝરાયેલ ગાઝાની વસ્તીને દક્ષિણના શહેર રાફાહ સુધી મર્યાદિત કરવાની યોજના પર કામ કરી રહ્યું છે ત્યારે તેમની ટિપ્પણીઓ આવી છે. દિવસની શરૂઆતમાં, નેતાન્યાહુએ વોશિંગ્ટનમાં બ્લેર હાઉસ ખાતે અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો સાથે એક અલગ બેઠક કરી હતી. સત્તાવાર નિવેદનો અનુસાર, બંને પક્ષોએ "ઇઝરાયેલ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના જોડાણને મજબૂત બનાવવા અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પડકારોને સંબોધિત કરવાના માર્ગો પર ચર્ચા કરી."