નોઇડાના નકલી એન્કાઉન્ટર મુદ્દે રાજ્યસભામાં ધાંધલ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૫
નોઇડામાં જિમ ટ્રેનર જીતેન્દ્ર યાદવના નકલી એન્કાઉન્ટર મુદ્દે રાજ્યસભામાં ભારે ધાંધલ સર્જાઇ હતી. સમાજવાદી પાર્ટીના સાંસદોએ આ મામલે સ્થગન પ્રસ્તાવ લાવતા તાત્કાલિક ચર્ચા કરવાની માગ કરી હતી. આ અંગે રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ કહ્યું કે, નોટિસ મળી ચુકી છે અને નિયમો અંતર્ગત ચર્ચા કરવામાં આવશે. આ અંગે વિફરેલા સમાજવાદી પાર્ટીના સાંસદોએ ગૃહમાં જોરદાર નારેબાજી કરી હતી જેના કારણે બપોરે બે વાગ્યા સુધી રાજ્યસભાની કાર્યવાહી ઠપ્પ થઇ ગઇ હતી. ભાજપના સાંસદ હુકુમસિંહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ રાજ્યસભાની કાર્યવાહી બપોર સુધી મોકૂફ કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે,શનિવારે ૨૫ વર્ષનો જીતેન્દ્ર યાદવ રાતે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે નોઇડાના સબ ઇન્કપેક્ટર વિજય દર્શને તેને ગોળી મારી મોતને ઘાત ઉતાર્યો હતો. આ અંગે સમાજવાદી પાર્ટીના સ્થગન પ્રસ્તાવને નાયડુએ નામંજૂર કરતા સમાજવાદી પાર્ટીના સભ્યો નારેબાજી કરીને વેલમાં ધસી આવ્યા હતા. દરમિયાન કોંગ્રેસના સાંસદ કેવીપી રામચંદ્ર પણ કેન્દ્રીય બજેટમાં આંધ્રપ્રદેશને ન્યાય આપવાની માગ સાથે હાથમાં પ્લેકાર્ડ લઇ શાંતપ્રદર્શન સાથે વેલમાં આવી ગયા હતા. આ દરમિયાન નાયડુએ કહ્યું કે, આ એન્કાઉન્ટરનો મુદ્દો શૂન્યકાળમાં ઉઠાવાશે, તમે બધા સંસદ ચાલવા દેવા માગતા નથી. કોઇ મારી ઉપર નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks