ન્યાયતંત્રમાં ફેરફારો કરવાના નેતન્યાહૂના પ્રયાસો સામે ઇઝરાયેલમાં સેંકડો લોકોનો વિરોધ

 

(એજન્સી) તા.૪
ઇઝરાયેલી મીડિયાના અહેવાલ મુજબ, શનિવારે ઉત્તર અને મધ્ય ઇઝરાયેલમાં ડઝનબંધ સ્થળોએ સેંકડો ઇઝરાયેલીઓએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકાર અને ન્યાયતંત્રમાં ફેરફારો લાવવાના તેના પ્રયાસો સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચેનલ ૧૨એ જણાવ્યું હતું કે હાઇફા, નાહરિયા અને વેસ્ટર્ન ગેલીલીમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. મધ્ય ઇઝરાયેલના દરિયાકાંઠાના વિસ્તારો માગન માઈકલ અને ન્યુરીમના કેટલાક પુલ પર પણ પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. ચેનલના જણાવ્યા અનુસાર, વિરોધ કરનારાઓએ નેતન્યાહૂ અને તેમની સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના હુમલાને રોકવામાં નિષ્ફળતા માટે તેમને જવાબદાર ઠેરવતા પોસ્ટરો દર્શાવ્યા હતા. તેમણે નેતન્યાહૂ સરકાર દ્વારા આગળ ધપાવવામાં આવી રહેલા ન્યાયિક ફેરફારોની પણ ટીકા કરી હતી. ૨૦૨૩ની શરૂઆતથી, સરકારે શ્રેણીબદ્ધ ફેરફારો હાથ ધર્યા છે. સરકારનું કહેવું છે કે આ ફેરફારો સરકારના વિવિધ અંગો વચ્ચે સંતુલન પુનઃસ્થાપિત કરશે અને કારોબારી તથા ધારાસભાના નિર્ણયોમાં ન્યાયતંત્રના અતિશય હસ્તક્ષેપને અટકાવશે. વિરોધ પક્ષો દલીલ કરે છે કે આ પગલાં ન્યાયતંત્રની સ્વતંત્રતાને નબળી પાડશે અને સરકાર પરની દેખરેખને મર્યાદિત કરશે. માર્ચ ૨૦૨૫માં, નેસેટ (ઇઝરાયેલની સંસદ)એ ન્યાયિક પસંદગી સમિતિની રચના અને ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયામાં ફેરફાર કરતો સુધારો પસાર કર્યો હતો. આગામી નેસેટનો કાર્યકાળ શરૂ થશે ત્યારે આ સુધારો અમલમાં આવનાર છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks