(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૬,
ગત ડિસેમ્બર માસમાં લગ્ન કરી ન્યુઝીલેન્ડ પરત ફરેલું વડોદરાનું દંપતિ ૧૪મી જાન્યુઆરીએ ન્યુઝીલેન્ડના દરિયામાં તણાઇ ગયુપ્ં હતું. હેલિકોપ્ટર દ્વારા યુગલને રેસ્કયુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે યુવતીનો આબાદ બચાવ થયો હતો. દરિયામાં ડૂબી ગયેલા યુવાનના મૃતદેહને વડોદરા પરત લાવવા પરિવારજનોએ તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવાનનાં ૪ ડિસેમ્બરના રોજ લગ્ન થયા હતા. આ દુઃખદ બનાવની જાણ થતા જ યુવાનનાં પરિવાર અને મિત્ર વર્તુળમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.
પ્રાપ્ત થતી વિગત અનુસાર વડોદરા શહેરના વાઘોડીયા રોડ પર પરિવાર ચાર રસ્તા પાસેની પિતાંમ્બર ટાઉનશીપમાં મકાન નં.૪૧માં રહેતાં વિનુભાઇ લીમ્બાચીયા ઓ.એન.જી.સી.માં ફરજ બજાવે છે. તેમણે એક પુત્ર હેમીન (ઉ.વ.૨૬) તથા એક પુત્રી દર્શના છે. વિનુભાઇ તથા તેમના પત્ની ધર્મિષ્ઠાબેને પુત્ર હેમીનને અભ્યાસ માટે ન્યુઝીલેન્ડ મોકલ્યો હતો. જ્યાં અભ્યાસ કર્યા બાદ ત્યાંજ નોકરી કરતો હતો. ન્યુઝીલેન્ડમાં જ હેમીન સાથે છેલ્લાં દોઢ વર્ષથી સ્થાયી થયેલી વડોદરાની તેની પ્રેમિકા તનવી ભાવસાર સાથે ગત તા.૪ ડિસેમ્બરના રોજ વડોદરા ખાતે લગ્ન યોજાયા હતા. લગ્ન બાદ તા.૩૦મી ડિસેમ્બર, ૨૦૧૭ નાં રોજ યુગલ નવા વર્ષની ઉજવણી કરવા ચાર દિવસ સીંગાપુર ફરવા ગયા હતા. અને ત્યાંથી તેઓ ૪ જાન્યુઆરીનાં રોજ ન્યુઝીલેન્ડ રવાના થઇ ગયા હતા. આ યુગલ ગત તા.૧૪મી જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે યુગલ ન્યુઝીલેન્ડના વાઇમારામાં બ્રિજ ઉપર ફરવા ગયું હતું. બંનેના નવા લગ્ન થયા હોવાથી બંને પતિ-પત્ની દરિયાના પાણીમાં ન્હાવા પડયા હતા. તે દરમ્યાન હેમીન દરિયાના મોજામાં તણાઇ ગયો હતો. જેથી પત્ની તેને બચાવવા જતાં પત્ની પણ તણાઇ ગઇ હતી. યુગલને ડુબતા જોઇ દરિયા કિનારે ઉભેલા લોકોએ બૂમાબૂમ કરી મુકી હતી. બનાવની જાણ સ્થાનિક અધિકારીઓને કરતાં પાણીમાં લાપતા થયેલ યુગલને બચાવવા હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. હેલિકોપ્ટર દ્વારા પતિ-પત્ની બંને જણાંને દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હેમીનને સારવાર મળે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે તનવીનો બચાવ થયો હતો. આ દુઃખદ બનાવની જાણ યુવાનનાં પરિવારજનોને મળતા પરિવારજનોમાં ઘેરાશોકની લાગણી ફેલાઇ જવા પામી હતી. યુવાનનાં મૃતદેહને વડોદરા લાવવા માટે તેમના પરિવારજનોએ તજવીજ હાથ ધરી છે.