ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં પાક. ટીમનો ૭મો સદસ્ય થયો કોરોનાગ્રસ્ત, સિરીઝ પર સવાલ

 

વેલિંગ્ટન, તા.ર૯
ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાનની ક્રિકેટ ટીમની સમસ્યાનો અંત આવતો નથી. અગાઉ છ ખેલાડી કોરોનાગ્રસ્ત બન્યા હતા અને હવે શનિવારે ટીમના સાતમા સદસ્યનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. પાકિસ્તાની ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડમાં ક્વોરન્ટાઈન છે. પાકિસ્તાને આ વખતે ૫૩ વ્યક્તિનું મોટું દળ ન્યૂઝીલેન્ડ મોકલ્યું છે. મંગળવારે ટીમ ત્યાં પહોંચી તે સાથે જ છ ખેલાડીને કોરોના આવ્યો હતો. ટીમ ત્યં પહોંચ્યા બાદ ૧૪ દિવસના ફરજિયાત આઈસોલેશનમાં છે. શનિવારે ટીમના ખેલાડીઓના ફરીથી ટેસ્ટ કરાવાયા હતા જેમાં વધુ એક સદસ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ન્યૂઝીલેન્ડની સરકારના નિયમ મુજબ આઈસોલેશનમાં હોય તેવા ખેલાડીના ત્રીજા અને ૧૨મા દિવસે કોરોના ટેસ્ટ થતાં હોય છે. ન્યૂઝીલેન્ડના આરોગ્ય મંત્રાલયે જારી કરેલી યાદીમાં સાતમા સદસ્યનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સિવાયના તમામના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. પાકિસ્તાની ટીમ ન્યૂઝીલેન્ડ પહોંચી ત્યાર બાદ તેના કેટલાક ખેલાડીએ કોરોના પ્રોટોકોલનો ભંગ કર્યો હતો અને તેમને ચેતવણી આપવામાં આવી હતી. ક્રાઈસ્ટચર્ચ ખાતે ટીમની હોટેલમાં ક્લોઝ સરકિટ ટીવીમાં કેટલાક ખેલાડી હોટેલના કોરીડોરમાં પ્રોટોકોલનો ભંગ કરતાં તથા સાથે ભોજન કરતાં ઝડપી ગયા હતા. આઈસોલેશન દરમિયાન ખેલાડી અને ટીમ મેનેજમેન્ટે પહેલાં ત્રણ દિવસ સુધી હોટેલના રૂમમાં જ રહેવાનું હતું. ન્યૂઝીલેન્ડના આરોગ્ય વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, આ ખૂબ જ ચિંતાજનક બાબત છે કે, પ્રવાસી ટીમ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. આ જ રીતે હવે નિયમોનો ભંગ કરવામાં આવશે તો પાકિસ્તાનની ટીમને ન્યૂઝીલેન્ડમાંથી હાંકી કાઢવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, ખેલાડીઓએ તેમના રૂમમાં જ રહેવાનું હોવા છતાં તેઓ પ્રથમ ત્રણ દિવસ દરમિયાન હોટેલમાં આમતેમ ફરતા જોવા મળ્યા હતા. પાકિસ્તાની ટીમ ન્યૂઝીલેન્ડમાં ત્રણ ટી૨૦ અને બે ટેસ્ટ રમનારી છે જેની પ્રથમ ટી૨૦ ૧૮મી ડિસેમ્બરે રમાશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks