(એજન્સી) તા.૨૧
પંજાબના કપૂરથલા જિલ્લાના સુલતાનપુર લોધીમાં બંધ પડેલી એક મસ્જિદનું સમારકામ કરાવી શીખ સમુદાયના લોકો અને સંતોએ શુક્રવારે મુસ્લિમોને આમંત્રણ આપી નમાઝે શુક્રાનાનું આયોજન કરાવ્યું હતું. આ મસ્જિદ લગભગ ૫૦૦ વર્ષ કરતાં પણ વધારે જૂની છે. દેશના ભાગલા બાદથી આ મસ્જિદ બંધ પડી હતી જેને ફરી ખોલી દેવામાં આવી છે. આ મસ્જિદ સાથે ગુરુનાનક દેવની અનેક કહાણીઓ પણ જોડાયેલી છે. શીખ ધર્મના પ્રથમ ગુરુ, ગુરુનાનક દેવની અસંખ્ય યાદો આ મસ્જિદ સાથે જોડાયેલી છે. આ મસ્જિદ વિશે કહેવાય છે કે ગુરુનાનકે આ મસ્જિદમાં નમાઝ પણ પઢી હતી. ગુરુનાનક દેવની ૫૫૦મી જયંતિન અવસરે શીખ સમુદાયે બંધ પડેલી આ મસ્જિદને નમાઝ માટે શરૂ કરવાનો નિર્ણય લીધો અને શુક્રવારે અહીં શીખ અને મુસ્લિમ ધર્મગુરુઓની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં ધર્મગુરુઓએ પોતાના વિચાર શેર કર્યા અને પછી મુસ્લિમોને નમાઝ અદા કરી હતી.
અહીં યોજાયેલી નમાઝને શુક્રાના નમાઝ નામ અપાયું હતું. આ કાર્યક્રમમાં સંત સુખદેવ સિંહ અને સંત બલવિન્દર સિંહ સામેલ થયા હતા અને તેમણે અહીં હાજર લોકો સાથે પોતાની વાતો શેર કરી હતી. આ અવસરે મુસ્લિમ વિદ્વાનોએ પણ ગુરુનાનકજીના જીવન અંગે પોતાના અનુભવ શેર કર્યા જેમાં જમાત-એ-ઈસ્લામી હિન્દના પંજાબના અધ્યક્ષઁ અબ્દુશ્શકુર, મૌલાના સૈયજ મુજતબા યજદાની, ડૉ. શહેજાદ, ડૉ. ઈરશાદ અને અન્ય વિદ્વાનો જોડાયા હતા. પંજાબના એકમાત્ર મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તાર મલેરકોટલાથી પણ મોટી સંખ્યામાં મુસ્લિમો અને શીખ સુલતાનપુર લોધી પહોંચી આ કાર્યક્રમમાં જોડાયા હતા.