(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
પંજાબ નેશનલ બેન્કના ૧૧૪૦૦ કરોડના મહાકૌભાંડમાં નીરવ મોદી, મેહુલ ચોકસી અને તેની આરોપીઓ સામેની કાર્યવાહી ચાલુ રહી છે. પંજાબ નેશનલ બેન્કે ગીતાંજલિ ગ્રુપને એક ઠગાઈ કંપની તરીકે જાહેર કરી છે. ગીતાંજલિ ગ્રુપ દ્વારા ઠગાઈ આચરવામાં આવી હતી. આ કૌભાંડમાં સીબીઆઈ અને ઈડીની કાર્યવાહી ચાલુ રહેવા પામી છે. શુક્રવારે પટણાના મહારાજા કોમ્પલેક્ષ સ્થિત ગીતાંજલિ સ્ટોરમાં દરોડા પાડ્યાં હતા તેમાં કરોડો રૂપિયાના હીરા જપ્ત કરવામાં આવ્યાં. મુંબઈ,પટણા અને બંગાળમાં શોરૂમ પર દરોડા પાડવામાં આવ્યાં હતા. મુખ્ય કૌભાંડી નીરવ મોદીના બેન્ક ખાતાઓ સીલ કરવામાં આવ્યાં હોવાની પણ ખબર છે. પંજાબ નેશનલ બેન્કના કૌભાંડ બાદ એક પછી એક એજન્સીઓ હરકતમાં આવીને કાર્યવાહી કરવા લાગી છે. શુક્રવારે સેબીએ પણ જાહેર કર્યું કે ગીતાંજલિ જેમ્સના શેરોની ટ્રેડિંગ અને ડિસક્લોઝર જેવા મુદ્દાઓ સહિત પોતાના અધિકાર ક્ષેત્રમાં આવનાર બીજી રીતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. કૌભાંડ જાહેર થતાં પીએનબીમાં એલઆઈસી રોકાણકારોએ ફક્ત ત્રણ દિવસમાં ૧૪૦૦ કરોડ ગુમાવ્યાં હતા. પીએનબીમાં એલઆઈસી ૧૩.૯૩, યુનિયન બેન્ક ઓફ ઈન્ડીયામાં ૧૩.૨૪ ટકા અને અલ્હાબાદ બેન્કમાં ૧૩.૧૭ ટકા હિસ્સો ધરાવે છે. કરોડો રૂપિયાની ઠગાઈની ભોગ બનેલી પીએનબીએ તેની કેટલીક સંપત્તિઓને વેચાણની તૈયારી શરૂ કરી છે. નવી દિલ્હી સ્થિત બેન્કની એક મોટી ઓફિસ પણ સામેલ છે જેની હાલનો બજાર ભાવ ૫,૦૦૦ કરોડ જણાવવામાં આવી રહ્યો છે.