(એજન્સી) તા.૧
કર્ણાટક હાઇકોર્ટે આજે ચુકાદો આપ્યો હતો કે ભાજપના નેતા અને વિધાન પરિષદના સભ્ય એ.એચ. વિશ્વનાથ ૨૦૧૯ના વર્ષમાં પક્ષ પલટા વિરોધી કાયદા હેઠળ ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠરાવેલ હોવાના લીધે મંત્રી બનવા માટે પાત્રતા ધરાવતા નથી.
વિશ્વનાથ જનતા દળ (એસ) અને કોંગ્રેસના એવા સભ્યોમાંથી હતા જેઓ ૨૦૧૯માં પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા હતા, જેના લીધે કુમારસ્વામીની સરકાર પડી ગઈ હતી. કોર્ટનો આદેશ વિશ્વનાથ સામે દાખલ થયેલ સંખ્યાબંધ અરજીઓના પગલે આવ્યો હતો. જેમાં એમની સાથે અન્ય બે પક્ષપલટો કરનાર સભ્યો આર. શંકર અને એમ.બી.ટી. નટરાજ સામે અરજીઓ દાખલ થઇ હતી, આ બધાને મંત્રી બનાવવામાં આવ્યા હતા. જો કે, કર્ણાટક હાઇકોર્ટે આર. શંકર અને એમ.બી.ટી. નટરાજ સામે આદેશ પસાર કર્યો ન હતો. બેન્ચે કહ્યું કે આ બંને વિશ્વનાથથી વિપરીત વિધાન પરિષદમાં ચૂંટાઈ આવ્યા હતા. પણ વિશ્વનાથ ચૂંટાયા ન હતા. એમની મુખ્યમંત્રી યેદિયુરપ્પા દ્વારા સીધી નિમણુંક કરાઈ હતી. બેન્ચે કહ્યું કે બંધારણીય જોગવાઈઓ મુજબ નિમણુંકને ચૂંટાયેલ સભ્ય તરીકે ગણી શકાય નહીં. બેન્ચે કહ્યું કે ગેરલાયક ઠરાવેલ રાજકારણી મંત્રી તરીકે ત્યારે જ નિમણુંક મેળવી શકે જ્યારે તેઓ બંને સભાઓમાંથી એકમાં ચૂંટાઈને આવે. જ્યાં સુધી ચૂંટાઈ આવે ત્યાં સુધી એમની ગેરલાયકાત ચાલુ જ રહે છે. જનતા દળ (એસ) અને કોંગ્રેસના ગેરલાયક ઠરાવેલ ૧૭ સભ્યોમાંથી ૧૬ સભ્યો ભાજપમાં જોડાયા હતા. સુપ્રીમ કોર્ટે એમને ફરીથી ચૂંટણી લડવા પરવાનગી આપતા તેઓ ભાજપમાં જોડાયા હતા. ફેબ્રુઆરી મહિનામાં યેદિયુરપ્પાએ ૧૦ નવા મંત્રીઓને મંત્રીમંડળમાં સામેલ કર્યા હતા.