(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૧૬
જૂનાગઢનાં અંબિકા ચોક પુજા એપાર્ટમેન્ટનાં ટેરેસ ઉપર બનેલા બનાવમાં માર મારવા અંગે પાંચ સામે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર કેતનભાઈ ચીમનભાઈ કતકપરા પ્રજાપતિ (ઉ.વ.૨૯, રહે. અંબિકા ચોક, પૂજા એપાર્ટમેન્ટવાળાએ) પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે વિજયભાઈ ભીખાભાઈ કતકપરા, સંજયભાઈ અશોકભાઈ, વિજયભાઈનો દિકરો નિકુંજ, મિલન વગેરે સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે આ કામનાં આરોપી સંજયભાઈનાં ઘરે કોઈ અજાણી વ્યક્તિ તેનાં પત્ની વિષે આ કામનાં ફરિયાદીનાં નામથી ખરાબ ચિઠ્ઠીઓ નાંખી જતો હોય અને આરોપી વિજયભાઈ તથા સંજયભાઈને ફરિયાદી ઉપર શંકા હોય જેથી ફરિયાદી તથા તેનાં મિત્રો તેનાં એપાર્ટમેન્ટનાં ટેરેસ ઉપર હોય ત્યાં વિજયભાઈએ આવી ફરિયાદીને ગાળો દઈ લાકડી વતી મુંઢ ઈજાઓ કરતાં ફરિયાદીના માતા પિતા વચ્ચે પડતાં તેઓને પણ મુંઢ ઈજાઓ કરી હતી. અન્ય આરોપીઓ પણ ત્યાં આવી જતાં ફરિયાદી તથા સાહેદને માર મારેલ છે. વિજયભાઈએ ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ વી.આર. કોદાવાલા ચલાવી રહ્યાં છે.