(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
પદ્માતવ ફિલ્મની રીલિઝ કરવા માટે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ સંજય લીલા ભણસાલીની મુશ્કેલીઓનો અંત આવતો નથી. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા અને ઉત્તરપ્રદેશ સાથે દેશના અન્ય ભાગોમાં પણ તેનો વિરોધ થઇ રહ્યો છે. આ અંગે અખિલ ભારતીય ક્ષત્રિય સંગઠનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેનો ઉપાધ્યક્ષ સંસદ, સુપ્રીમ કોર્ટ પર હુમલાની ધમકી આપી રહ્યો છે. આ બાબતને ગંભીરતાથી લેતા પોલીસે આરોપી શખ્સ વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ નોંધ્યો છે. આરોપીની ઓળખ ભુનેશ્વર સિંહ તરીકે થઇ છે. વીડિયોમાં તેણે આરોપ લગાવ્યો છે કે સુપ્રીમ કોર્ટે પદ્માવતીની સરખામણી બેન્ડિટ ક્વિન સાથે કરી છે, તેણે કેન્દ્રીય ગૃહમંત્રી અને અન્ય મંત્રીઓને હરાવવા પણ ધમકી આપી છે. બીજી તરફ ફરાર આરોપીની શોધખોળમાં પોલીસ દરોડા પાડી રહી છે. અહેવાલો અનુસાર આરોપી વિરૂદ્ધ ગત રવિવારે બરેલી પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ ૧૨૪-એ, ૫૦૬ અને આઇટી એક્ટની કલમ ૬૭ અંતર્ગત ફરિયાદ દાખલ કરાઇ છે. આ પહેલા કાનપુરમા એક મોલ અને મસ્ટિપ્લેક્સમાં કરણી સેનાએ ૨૫મીએ રીલિઝ થનારી ફિલ્મની સામે દેખાવો કર્યા હતા. આ મામલે પોલીસ સ્ટેશનના અધ્યક્ષે જણાવ્યુ હતું કે, કરણી સેનાના સભ્યોએ કરણી સેનાના સભ્યોએ ફિલ્મના પોસ્ટરો ફાડ્યા, કાચ તોડ્યા અને મલ્ટિપ્લેક્સના કર્મચારીઓ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. દેખાવકારો ભણસાલીની ફિલ્મ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવાની માગ કરી રહ્યા હતા.