(એજન્સી) હૈદરાબાદ, તા. ૧૯
પદ્માવત ફિલ્મ અંગેના વિવાદમાં હૈદરાબાદના લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમોને આ ફિલ્મ ન જોવા અપીલ કરી છે. ફિલ્ને બકવાસ ગણાવતા અસદુદ્દીને કહ્યું કે, અલ્લાહે મુસ્લિમોને આ બે કલાકની અપશુકનિયાળ ફિલ્મ જોવા નથી બનાવ્યા. તમે આ ફિલ્મ જોઇને પોતાના નાણા અને સમય બરબાદ ન કરશો. આંધ્રપ્રદેશમાં એક સભાને સંબોધિત કરતા ઓવૈસીએ ખાસ કરીને મુસ્લિમ યુવાઓને કહ્યું કે, તમે પદ્માવત ફિલ્મ જોશો નહીં. આ ફિલ્મ સંપૂર્ણ રીતે બકવાસ છે અને તેને જોઇને નાણા તથા સમય બરબાદ ન કરશો. આ ફિલ્મ પાછલ દોડવાની જરૂર નથી. અલ્લાહે તમને સારૂ જીવન જીવવા અને જીવનમાં એવા કામ કરવા માટે બનાવ્યા છે જેને સદીઓ સુધી યાદ રાખવામાં આવે. એઆઇએમઆઇએમના પ્રમુખે એમ પણ કહ્યંુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બકવાસ ફિલ્મના રિવ્યૂ માટે ૧૨ લોકોની પેનલ પણ બનાવી દીધી હતી. પદ્માવતની કહાની સન ૧૫૪૦માં કવિ મલિક મોહમ્મદ જાયસીએ લખી હતી જે સંપૂર્ણ રીતે કાલ્પનિક હતી તે બાદ પણ મોદી સરકાર આ ફિલ્મને લઇ એટલો રસ દાખવી રહી છે.