(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
ફિલ્મ પદ્માવતને દેશભરમાં રજૂ કરવા માટે સુપ્રીમકોર્ટે લીલીઝંડી આપી છે. ભાજપ શાસિત રાજ્યો દ્વારા લગાવાયેલ પ્રતિબંધ પણ રદ કર્યો છે. હવે ફિલ્મ પદ્માવત રપ જાન્યુઆરીએ દેશભરમાં રજૂ થશે. સુપ્રીમકોર્ટ દ્વારા લીલીઝંડી મળ્યા બાદ પણ ફિલ્મનો વિવાદ શાંત થતો દેખાતો નથી. હૈદરાબાદના ભાજપના વિધાયક ટી રાજાએ કહ્યું કે જો તમે દેશભક્ત છો તો ફિલ્મ જોતા નહીં. એકવાર નુકસાન થશે તો ફરીવાર તેઓ તથ્યો સાથે છેડછાડ નહીં કરે. સિનેમાઘર સળગાવી દેવું કે તોડી નાંખવું તે તમારા પર નિર્ભર છે પરંતુ ફિલ્મ જોવી નહીં.
તેમણે કહ્યું કે રાજપૂત સમુદાય અને હિન્દુ સમુદાયના પ્રયાસો બાદ ફિલ્મ ચાર રાજ્યોમાં પ્રતિબંધિત કરાઈ હતી. પરંતુ સુપ્રીમકોર્ટે ફિલ્મ રજૂ કરવા હુકમ આપ્યો. ફિલ્મ પદ્માવતને રજૂ કરવા સમયે કાનૂન અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જવાબદારી રાજ્ય સરકારની છે. રાજપૂત મહિલાઓએ ર૪ જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ સામે જોહરનું એલાન કર્યું છે. તે માટે ૧૮૦૦ મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ મહિલાઓ ચિત્તોડગઢ જિલ્લામાં ફિલ્મ રિલીઝ સાથે જોહર કરવાની તૈયારી કરી રહી છે.