(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૨
શહેરના કતારગામ ચીકુવાડી વિસ્તારમાં જાણભેદુ બે શખ્સોએ પોલીસના નામે ઘરમાં પ્રવેશી પરિણીતા પર બળાત્કાર ગુજારી રોકડા રૂા.૧.૮૫ લાખ પડાવી લીધા હતા. જો કે, પોલીસે પોલીસ બનેલા ઠગ સહિત બેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કતારગામ ચીકુવાડી ખાતેની એક સોસાયટીમાં ગત તા.૩જી માર્ચના રોજ સવારે ૧૧ઃ૩૦ કલાકે પીન્ટુ ઉર્ફે પરેશ દામજીભાઈ ગોહિલ અને વિનુભાઈ ભીખાભાઈ બેલડીયા નામના બે વ્યક્તિઓ પરિણીતાને ઓળખીતા ભાણાભાઈની ઓળખાણ આપી ઘરમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં પિન્ટુ ઉર્ફે પરેશે પોતાની ઓળખ વરાછા પોલીસના જમાદાર તરીકેની આપી હતી. જ્યારે વિનુ બેલડીયાએ પરિણીતાની મરજી વિરૂદ્ધ બળાત્કાર કર્યો હતો. બાદમાં પિન્ટુ અને વિનુએ પરિણીતાને તું ખોટા ધંધા કરે છે. તેમ કહી કેસ કરી બદનામ કરવાની ધાક ધમકી આપી રવિવાર સુધીમાં રૂ.૧,૮૫,૦૦૦ પડાવી લીધા હતા. પરિણીતાએ આખરે રવિવારે પોતાના પતિને જાણ કરતા પોલીસ ઈન્સ્પેક્ટર સહિતનો પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો. પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી ઠગ પોલીસ પિન્ટુ અને બળાત્કારી વિનુની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.