(એજન્સી) ચંદીગઢ, તા.૫
પંજાબ ભાજપના પ્રમુખ કેવલ સિંહ ધિલ્લોને આક્ષેપ કર્યો છે કે સંગરૂર જિલ્લાના કનોઈ ગામના રહેવાસી ૨૩ વર્ષીય દલિત યુવક સનમદીપ સિંહે ૨૬ સપ્ટેમ્બરે આત્મહત્યા કરી હતી, ત્યારબાદ પંજાબ પોલીસે તેના પરિવારના સભ્યોની સંમતિ કે હાજરી વિના તેના મૃતદેહના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. ધિલ્લોને આક્ષેપ કર્યો કે, “આ ઘટના પંજાબમાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને દલિત પરિવારોના અધિકારોનું રક્ષણ કરવામાં ‘આપ’ (AAP) સરકારની નિષ્ફળતાને દર્શાવે છે.” ધિલ્લોનની સાથે સંગરુર ભાજપ જિલ્લા પ્રમુખ દમન બાજવા, સનમદીપના ભાઈ રવિ સિંહ, પિતા પરમજીત સિંહ અને પિતરાઈ ભાઈ વિક્રમજીત સિંહ પણ હાજર હતા, જેમણે ઘટના અંગે પરિવારનો પક્ષ રજૂ કર્યો હતો. ધિલ્લોને કહ્યું, “પંજાબ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ‘આપ’ સરકાર હેઠળ દલિતો વિરૂદ્ધ અત્યાચાર અને ભેદભાવની ફરિયાદો સતત મળી રહી છે. મુખ્યમંત્રી ભગવંત માન પોતે સંગરુરના હોવા છતાં, આ જિલ્લામાંથી આવી ઘટનાઓ સામે આવતી રહે છે.” પોલીસ પર વર્તમાન મંત્રીના દબાણ હેઠળ કામ કરવાનો આરોપ મૂકતા ધિલ્લોને કહ્યું, “કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી હદે બગડી ગઈ છે કે પીડિતના અંતિમ સંસ્કાર તેના પોતાના ગામમાં કે તેના પરિવારની હાજરીમાં થવા દેવામાં આવ્યા ન હતા. પોલીસે પરિવારની સંમતિ વિના મૃતદેહના અંતિમ સંસ્કાર કરી દીધા અને પીડિતની માતાનું અપહરણ પણ કરી લીધું.” તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે રાજ્ય સરકારે આ બાબત તરફ આંખ આડા કાન કર્યા છે અને કહ્યું કે ભાજપે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આ મામલે ઊંડી તપાસ કરવા વિનંતી કરી છે. પાર્ટીએ પીડિતની માતા ક્યાં છે તે અંગે માહિતી માંગી છે અને તેમને તેમના પરિવાર સાથે ફરીથી મિલાવવાની માંગ કરી છે. પરિવારના જણાવ્યા અનુસાર, સનમદીપ પથ્થરના કારીગર (મેસન) તરીકે કામ કરતો હતો અને ગામના સરપંચ સાથે તેનો લાંબા સમયથી વિવાદ ચાલતો હતો; પરિવારે સરપંચ ‘આપ’ સાથે જોડાયેલા હોવાનું જણાવ્યું હતું. પરિવારે આક્ષેપ કર્યો હતો કે આ વિવાદને કારણે સતત દબાણ અને હેરાનગતિને લીધે તેણે ઘરે ઝેરી પદાર્થનું સેવન કર્યું હતું. બાદમાં સંગરુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. વિક્રમજીત સિંહે દાવો કર્યો હતો કે આ વિવાદ ૨૦૧૯નો છે, જ્યારે રવિ સિંહનો મોબાઈલ ફોન કથિત રીતે સરપંચની નજીક પડી ગયો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, “જ્યારે રવિ ફોન પાછો લેવા માટે તેમની પાસે ગયો, ત્યારે સરપંચે જાતિવાદી અપશબ્દો કહ્યા અને તેની સાથે મારપીટ કરી. સરપંચ સામે કાર્યવાહી કરવાને બદલે, પોલીસે બાદમાં ફરિયાદ પાછી ખેંચવા માટે અમને દબાણમાં લાવવાના હેતુથી અમારા પરિવારના સાત સભ્યો સામે અન્ય એક કેસ નોંધ્યો. તે કેસના સંબંધમાં સનમદીપે જેલમાં પણ થોડો સમય વિતાવ્યો હતો.” પરિવારે વધુમાં આરોપ લગાવ્યો કે, સરપંચ સામે ‘અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ’ હેઠળ ગુનો નોંધવા સહિતની કાર્યવાહીની માંગ સાથે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરતી વખતે તેઓએ સનમદીપના મૃતદેહને પાંચ દિવસ સુધી હોસ્પિટલના શબઘરમાં રાખ્યો હતો. પરિવારે આરોપ મૂક્યો કે, “શરૂઆતમાં પોલીસે અમારા નિવેદનો નોંધવાનો ઇનકાર કર્યો અને સતત પુરાવા રજૂ કરવાનું કહેતી રહી. બાદમાં, અમારી પરવાનગી વિના અને પરિવારના સભ્યોની ગેરહાજરીમાં તેમણે અમારા ભાઈના અંતિમ સંસ્કાર કરી દીધા.” આ અંગે પ્રતિક્રિયા મેળવવા માટે સંગરુરના એસએસપી (જીજીઁ) રવજોત ગ્રેવાલનો સંપર્ક થઈ શક્યો ન હતો.