અમદાવાદ,તા.ર૦
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજકીય પક્ષોને છેલ્લા પાંચ વર્ષમાં મળેલા દાન અંગે રાજકીય પક્ષોએ ચૂંટણીપંચમાં આપેલી વિગતોના આધારે તેનું વિશ્લેષણ એસોસિએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મસ (એડીઆર) અને નેશનલ ઈલેકશન વોચ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ભાજપને ગુજરાતમાં સૌથી વધુ ૮૦.૪પ કરોડનું દાન મળ્યું છે. જયારે કોંગ્રેસને પાંચ વર્ષમાં રૂા.૧૪.૦૯ કરોડનું દાન મળ્યું છે. તમામ રાજકીય પક્ષોને મળેલા દાનના ૧૯.૦૩ ટકા એટલે રૂા. ૧૮.૬૬ કરોડના દાનની રકમ અંગે પાનકાર્ડ નંબર જાહેર કરવામાં આવ્યો નથી.
આ અંગે ગુજરાત ઈલેકશન વોચના પંકિત જોગએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ર૦૧૧-૧રથી ર૦૧પ-૧૬ના પાંચ વર્ષના ગાળામાં ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષોને મળેલા દાન અંગે અમે વિશ્લેષણ કર્યું છે. જેમાં ભાજપને ર૧૮૬ દાતાઓએ રૂા.૮૦.૪પ કરોડ, કોંગ્રેસને પ૩ દાતાઓએ રૂા.૧૪.૦૯ કરોડ દાનમાં આપ્યા છે. જયારે સીપીએમ અને બીએસપીને છેલ્લા પાંચ વર્ષમાં એક પણ રૂપિયાનું દાન ગુજરાતમાંથી મળ્યું નથી. જો કે પાંચ વર્ષમાંથી વર્ષ ર૦૧ર-૧૩માં મળેલુ દાન સૌથી વધુ ૪પ.૩૩ કરોડ હતું. ભાજપને સૌથી વધુ એટલે રૂા.૧૦.૧૮ કરોડ રૂપિયાનું દાન અને ત્યારબાદ કોંગ્રેસને રૂા.૮.૪૭ કરોડ રૂપિયાનું દાન પાન કાર્ડની વિગત વગર મળ્યું છે. જો કે સીપીઆઈને જે દાન મળ્યું છે તેમાં એક પણ પાનકાર્ડની વિગતો નથી.કુલ દાનમાંથી ૯૧.પ૬ કરોડ રૂપિયા ચેક અથવા ડીડી દ્વારા મળ્યા છે રૂા.૩પ લાખ દાન રોકડેથી મળ્યું છે. જયારે રૂા.પ.૬૪ કરોડ રૂપિયાનું દાન કેવી રીતે મળ્યું તેની વિગત અધૂરી છે એમ પંકિત જોગએ જણાવ્યું હતું.
રાજકીય પક્ષોએ તેમના નાણાંકીય વ્યવહારની
વિગતો RTIમાં આપવી જોઈએ
રાજકીય પક્ષોને અપાતા દાન અંગે થયેલ વિશ્લેષણ બાદ એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મસએ ચૂંટણી પંચને ભલામણ કરી હતી. પક્ષોને દાન આપતા તમામ દાતાઓની વિગત જનતા માટે ખુલ્લી હોવી જોઈએ. આપણા પાડોશી દેશ જેવા કે ભૂતાન, નેપાળમાં આ વિગતો નાગરિકોને મળે છે તેમજ અમેરિકા, જર્મની, બ્રાઝિલ, બલ્ગેરીયા, ઈટાલી, ફ્રાંસ જેવા દેશોમાં તે માટે જોગવાઈ છે. જે પક્ષ ઓડિટ રિપોર્ટ અંગેના આઈસીએઆઈના માર્ગદર્શિકાને માનતા નથી તેમના રિપોર્ટ ઈન્કમટેક્ષ વિભાગે તપાસવા જોઈએ. રાષ્ટ્રીય અને ક્ષેત્રીય પક્ષોએ તેમના નાણાંકીય બાબતોની માહિતી માહિતિઅધિકાર કાયદા અંતર્ગત આપવી જોઈએ. તેનાથી પક્ષોની પારદર્શિતા અને વિશ્વસનીયતા વધશે અને ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી પ્રક્રિયા વધુ મજબૂત થશે એમ પંક્તિ જોગે જણાવ્યું હતું.