(એજન્સી) કાબુલ,તા.૧૩
પાકિસ્તાન તરફથી ગુરૂવારે સરહદ પાર રોકેટના હુમલામાં અફઘાનિસ્તાનના ઓછામાં ઓછા ૧પ નાગરિકો માર્યા ગયા હતા. મૃત્યાંક વધી શકે છે, કારણ કે પાકિસ્તાન સેનાના થયેલ સતત તોપમારામાં ૮૦ લોકો ઘાયલ થઈ ગયા હતા. અફઘાન અધિકારીઓ અનુસાર, સરહદની બીજી બાજુથી થયેલા તોપમારા પછી પાકિસ્તાની સેના વિરૂદ્ધ જવાબી કાર્યવાહી માટે અફઘાન સેનાને તૈયાર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. બંદ ચમન-સ્પિન બોલ્ડક બોર્ડર ક્રોસિંગ પર પાકિસ્તાની અને અફઘાન સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણ પછી આ ભયંકર કાર્યવાહી નોંધવામાં આવી હતી. આ દરમ્યાન બન્ને બાજુના લોકો ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ)ની ઉજવણી કરવા માટે પોતાના સંબંધિઓને મળવાની પ્રતિક્ષા કરી રહ્યા છે. અફઘાનિસ્તાનના રક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે જો પાકિસ્તાની સેના અફઘાન ક્ષેત્રમાં પોતાના રોકેટ હુમલા ચાલુ રાખશે. તો તે અફઘાન સેના દ્વારા બદલામાં જવાબી કાર્યવાહી માટે પણ તૈયાર રહે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના કાર્યાલય અને સેના તરફથી આ બાબતમાં કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી. અફઘાનિસ્તાને વર્ષોથી પાકિસ્તાન ઉપર તાલીબાન આતંકવાદીઓનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાન આ આરોપ સ્વીકારવાનો ઈન્કાર કરે છે. કંદહારના આબાદીવાળા વિસ્તારમાં પાકિસ્તાન સેનાએ રોકેટ વડે હુમલો કર્યો. અફઘાન સેનાના ચીફ ઓફ સ્ટાફ, યાસીન ઝિયાએ વાયુસેના અને અન્ય વિશેષ દળોના એકમોને તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. હુમલામાં ઘાયલ થયેલા સેન્કડો અફઘાનિઓનો ઈલાજ કંદહારના એક હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યો છે. ડોકટરોએ જણાવ્યું કે ઘાયલ થયેલાઓમાં બાળકો પણ છે અને કેટલાક ઘાયલોની સ્થિતિ ગંભીર જણાવાઈ છે.