પાક.જેલમાં મૃત્યુ પામેલ ખલાસીનો મૃતદેહ ચાર માસ બાદ વતન પહોંચ્યો

(સંવાદદાતા દ્વારા) કોડીનાર, તા. ૭
કોડીનાર તાલુકાના કોટડા બંદરના એક માછીમારનું ગત તા. ૪/૩/૧૮ના રોજ પાકિસ્તાની જેલમાં મૃત્યુ થયેલું હતું. જેનો મૃતદેહ ચાર માસ પછી ગઈકાલે વતન કોટડા બંદરે આવી પહોંચતા તેમના પરિવારજનોમાં ભારે આક્રંદ ફેલાયો હતો. મૃતક દેવાભાઈ રામાભાઈ બારૈયા (ઉ.વ.પ૮) ગત તા. રજી ફ્રેબુઆરીના રોજ પોરબંદરની એક બોટમાં દરિયામાં માછીમારી કરવા ગયા હતા. ત્યારે પાકમરીન સિક્યુરિટીએ આ બોટના તમામ ખલાસીઓને બંદી બનાવ્યા હતા. જેમાં દેવાભાઈને ગત તા. ૪ માર્ચના રોજ હાર્ટઅટેક આવતા મૃત્યુ નીપજ્યું હતું. તેમના મૃત્યુની જાણ અન્ય એક ખલાસીના પત્રથી પરિવારજનોને થઈ હતી. જેથી દેવાભાઈના પુત્ર રમેશભાઈ બારૈયાએ કોડીનારની સમુદ્ર શ્રમીક સુરક્ષા સંઘની મદદ લીધી હતી. સંઘના પ્રમુખ બાલુભાઈ સોચાએ વિદેશ મંત્રાલય અને ભારત સત્તાવાળાને તા. ૧૧ જૂને જાણ કરી દેવાભાઈ બારૈયાનો મૃતદેહ ભારત લાવવા રજૂઆત કરી હતી. પરિણામ સ્વરૂપ ગતરોજ વેરાવળ ફીસરીઝ સત્તાવાળા દેવાભાઈનો મૃતદેહ કોટડાબંદરે લાવ્યા હતા. જ્યાં તેમના કુંટુબીજનોને મૃતદેહ સોંપ્યો હતો અને ગામના સરપંચ બાબુભાઈ બારૈયા સહિતના અગ્રણીઓએ દેવાભાઈની અંતિમ વિધી કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks