પાટણ,તા.રર
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મણીયારી ગામના સામૂહિક બહિષ્કારનો ભોગ બનેલા દલિત સમાજના છ પરિવારોના ૩૩ સભ્યો છેલ્લા દોઢ વર્ષથી હિજરતી બન્યા હતા. આત્મવિલોપનની ઘટના બાદ સફાળી જાગેલી સરકાર અને વહીવટીતંત્રે આ પરિવારોના પુનઃવર્સન માટે પાટણ નજીક જગ્યા ફાળવણી પ્લોટ ફાળવણી તેમજ મકાન સહાયના હુકમ કર્યા હતા. આજે પાટણ જિલ્લા કલેકટરના હસ્તે આ હિજરતી પરિવારના સભ્યોને પ્લોટના હુકમ પત્રો સુપરત કરવામાં આવ્યા હતા. આ હિજરતી પરિવારોને ન્યાય મળે તે માટે પાટણ નવસર્જન ટ્રસ્ટના નરેન્દ્રભાઈ પરમારે લડત ઉપાડી હતી જે અંતે દોઢ વર્ષ બાદ ભાનુપ્રસાદ વણકરના અગ્નિસ્નાનના બનાવને લઈ આજે પૂર્ણ થઈ હતી.
પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે જમીનની ન્યાયિક લડત માટે પોતાની જિંદગીનું બલિદાન આપનાર સામાજિક કાર્યકર ભાનુપ્રસાદ વણકરની ઘટના બાદ જિલ્લા વહીવટીતંત્ર તેમજ સરકારે હવે જમીનના જુના પડતર પ્રશ્નોને આગામી છ મહિનામાં હલ કરવાની પહેલ કરી છે. ત્યારે આજથી આશરે દોઢ વર્ષ અગાઉ ચાણસ્મા તાલુકાના મણિયારી ગામે દિવાળીના સમયે ફટાકડા ફોડવા બાબતે ગામની સર્વણ કોમના લોકો તેમજ છ દલિત પરિવારના સભ્યો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. ત્યાર બાદ આ પરિવારોને ગામમાંથી હિજરત કરવી પડી હતી. ૧૩મી જૂન ર૦૧૭ના રોજ ગામમાંથી હિજરત કરેલ છ પરિવારના ૩૩ સભ્યોએ પોતાના હકની લડત માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા કરી પોતાની માગ યથાવત રાખી હતી. ત્યારબાદ જિલ્લા કલેકટર દ્વારા પરિવારના તમામ સભયોને વૈકલ્પિક વ્યવસ્થારૂપે પાટણના આંબેડકર હોલમાં રહેવા જમવાની સગવડ કરવામાં આવી હતી. આ પરીવારોએ પોતાનો પ્લોટ તેમજ મકાન સહાય સરકાર દ્વારા ફાળવવામાં આવે તેવી માગ કરી હતી. જેને લઈ જિલ્લા પ્રશાસન દ્વારા સરકારમાં વાટાઘાટો કર્યા બાદ આ પરિવારોની માગણીઓને માન્ય રાખવામાં આવી હતી. ત્યારે મણિયારી ગામના હિજરતી પરિવારોની આ માગણીઓ ગતરોજ મોડી રાત્રે સંતોષાતા આજે ચલણ ભરી પરિવારના તમામ સદસ્યોને પાટણ નજીક આવેલ બકરાતપુરા ખાતે પ્લોટની ફાળવણી તેમજ મકાન સહાય આપવાના હુકમો કરવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા લેવાયેલ આ નિર્ણયને લઈ મણિયારી ગામના હિજરતી પરિવારના અરજદાર ચમાર પ્રહલાદભાઈએ આ માગણીઓનો સુખદ અંત આવતા તેઓએ સરકારનો આભાર વ્યકત કર્યો છે.
પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંવેદનશીલ નિર્ણય લઈ મણિયારી ગામના હિજરતી પરિવારની માગણી સંતોષતા પરિવારજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.