પાટણ, તા.૧૦
પાટણ શહેર સહિત જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ મહેર કરતા સર્વત્ર પાંચથી અડધા ઈંચ જેટલો વરસાદ પડતા ખરીફ પાકને જીવતદાન મળતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પાટણ શહેરમાં પાંચ ઈંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ હતી. પાટણ જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં ૧રપ મીમી, સરસ્વતી ૧૦૦ મીમી, સિદ્ધપુર ૮ર મીમી, રાધનપુર ૮૦ મીમી, હારીજ ૬૦ મીમી, સમી ૬૦ મીમી, ચાણસ્મા ૩૦ મીમી અને સાંતલપુરમાં ૯ મીમી વરસાદ નોંધાયો છે. પાટણ શહેરમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડતા સમગ્ર શહેરમાં પાણી ફરી વળ્યા હતા જેના કારણે પ્રથમ રેલવેનાળામાં કેડસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર થંભી ગયું હતું. આ ઉપરાંત કોલેજ કેમ્પર્સની અંડરપાસ હોજમાં ફેરવાઈ ગયો હતો. નવા હંગામી બસ સ્ટેશનમાં પણ ઢીંચણસમા પાણી ભરાઈ રહેતા બસ સ્ટેશન બેટમાં ફેરવાયો હતો જેને લઈ મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બુકડી, કાલીબજાર, ટેલીફોન, એક્ષ્ચેન્જ, કર્મભૂમિ, પારેવા સર્કલ સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડી હતી. શહેરમાં નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ બનાવાયેલ છીંડિયા દરવાજા સહિત અનેક માર્ગોનુું ધોવાણ થયું હતું અને ઠેર-ઠેર ખાડા પડી ગયા હતા.