જમીનના વિવાદને લઈને હસીનજહાં અને તેની દીકરી અર્શીજહાંએ પડોશીઓ સાથે ભારે ઝપાઝપી કરી હોવાનો અને પાડોશીને માર માર્યાનું ફરિયાદમાં દર્શાવાયું
(એજન્સી) બીરભૂમ, તા.૧૭
ભારતીય ક્રિકેટ ટીમના વિખ્યાત ફાસ્ટ બોલર મોહંમદ શમીની રિસામણે બેઠેલી પત્ની હસીનજહાં અને દીકરી અર્શીજહાં સામે પાડોશીઓ સાથે મારામારી કરવા બદલ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાતા ભારે સનસનાટી મચી ગઈ છે. સોશિયલ મીડિયા પર જાહેર થયેલો વીડિયો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. પ્રાપ્ત થતાં અહેવાલ મુજબ હસીનજહાંને એમના પાડોશીઓ સાથે એક જમીન બાબતે માથાકૂટ થઈ હતી. બોલાચાલી બાદ હસીનજહાં અને એમની દીકરી અર્શીએ પડોશીઓ સાથે મારામારી કરી હોવાનું જાહેર થયું છે. આ જમીન પર હસીનજહાં જમીનનો ગેરકાયદે કબજો લેવા માંગતી હતી એવો પાડોશીઓનો આક્ષેપ છે. પાડોશીઓએ તેનો વિરોધ કરતાં બંને મા-દીકરી મારામારી પર ઉતરી આવી હતી. બંને પર ભારતીય ન્યાયસંહિતાની કલમ ૧૨૬, ૧૧૫, ૧૧૭,૧૦૯ અને ૩૫૧ મુજબ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. તેની પાડોશી દ્વારા હસીનજહાં અને દીકરી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ગેરકાયદે દબાણનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે. અર્શીજહાં એ મોહંમદ શમીની દીકરી નથી પરંતુ હસીનજહાંના પહેલા લગ્ન થકી થયેલી દીકરી છે. હસીનજહાં શમીથી પણ અલગ રહે છે.