રમઝાન સંદેશ-૧૧
પાડોશીનો દરેક વ્યક્તિને હંમેશાનો સાથ રહે છે. પાડોશી સારો હોય તો વ્યક્તિ પોતાના ઘરબારથી નિશ્ચિંત રહે છે અને પોતાના કામકાજમાં મન પરોવી શકે છે. પરંતુ પાડોશીનો કંકાસ હોય તો વ્યક્તિને કોઈપણ ઠેકાણે ચેન આવતું નથી. ઈસ્લામની શિક્ષા એ છે કે મુસલમાન એક સારો પાડોશી બને. તેના વાણી-વર્તનથી તેના પાડોશીને કોઈ તકલીફ ન પહોંચવી જોઈએ. તે તેમના સુખ-દુઃખના પ્રસંગોમાં કામ આવવો જોઈએ. તેના સાથે ખૂબ સારા સંબંધો રાખે અને કેળવે. કુર્આનમાં ઉલ્લેખ છે કે, “…અને પાડોશી સગા સાથે, અજાણ્યા પાડોશી સાથે, સાથે બેસનારા સંગાથીઓ અને મુસાફરો સાથે અને તે દાસ-દાસીઓ સાથે જેઓ તમારા કબ્જામાં હોય ભલાઈનું વર્તન દાખવો…”(કુર્આન, ૪ઃ૩૬)
આમાં ત્રણ પ્રકારના પાડોશીઓનું વર્ણન છે. એક એવા પાડોશી જે સગામાંથી હોય; અને બીજા તે અપરીચિત પાડોશી, જેમના સાથે લોહીનો દૂરનો કે નજીકનો સંબંધ ન હોય અને ત્રીજા સાથે બેસનારાઓ જેમના સાથે કેટલોક સમય ગાળવાની તક મળી હોય, અર્થાત્ બસ કે ટ્રેનમાં મુસાફરી દરમ્યાન કે પછી કાર્યાલયોમાં કે અન્ય સ્થળે. આ ત્રણેય પ્રકારના પાડોશીઓ સાથે સદ્-વર્તનનો ઈસ્લામ આદેશ આપે છે.
પાડોશીના અધિકારો અંગે ઈસ્લામમાં ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં આગવી સહિષ્ણુતાના દર્શન થાય છે. પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) કહે છે, “જે વ્યક્તિ અલ્લાહ અને પરલોક ઉપર શ્રદ્ધા રાખે છે, તેણે પોતાના પડોસી સાથે સદ્-વર્તન દાખવવુ જોઈએ.” (મુસ્લિમ, બુખારી)
અન્ય પ્રસંગે કહેવામાં આવ્યું કે, “તે હસ્તીના સોગંદ, જેના કબજામાં મારા પ્રાણ છે ! તે વ્યક્તિ ઈમાનવાળી નથી હોઈ શકતી, જ્યાં સુધી તે પોતાના પાડોશી માટે એ જ પસંદ ન કરે, જે પોતાના માટે પસંદ કરે છે.” (મુસ્લિમ) પાડોશી અંગે કહેવામાં આવ્યું કે તે વ્યક્તિ મુસલમાન નથી, જે પોતે પેટ ભરીને જમી લે અને તેનો પાડોશી ભૂખ્યો હોય. (મિશ્કાત) પાડોશી મુસ્લિમ છે કે બિન મુસ્લિમ તેનો કોઈ ભેદ અહીં કરવામાં આવ્યો નથી. મનુષ્ય જે લોકો દરમ્યાન રહે છે, જેના સહયોગ અને મદદથી તે લાભાન્વિત થાય છે, જેમની ક્ષમતાઓથી તે ડગલે ને પગલે ફાયદો ઉઠાવે છે, તેમના માટે તેના ઉપર ઘણા અધિકારો અને હક્કો આવે છે.
એક પ્રસંગે હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ કહ્યું કે, “તે વ્યક્તિ ઈમાનવાળો નથી.” આવું આપ (સ.અ.વ.)એ ત્રણ વખત કહ્યું. સહાબા રદિ.એ પૂછ્યું, “કોણ, હે અલ્લાહના રસૂલ (સ.અ.વ.) ?” આપ (સ.અ.વ.)એ કહ્યું, “જેના ત્રાસ અને ઝઘડાઓથી તેનો પાડોશી સુરક્ષિત ન હોય.”(મુસ્લિમ) આવું જ એક અન્ય પ્રસંગે પયગંબર(સ.અ.વ.)એ ફરમાવ્યું, “જેના ઉપદ્રવ, ત્રાસ અને ઝઘડાઓથી તેનો સહયોગી અને પાડોશી શાંતિ ન અનુભવે તે સ્વર્ગમાં નહી જાય.” (મુસ્લિમ) (ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ)