(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.૫
અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલ ઓહમ ડાયકેમ કંપનીમાં ઝેરી ગેસની અસરથી બે કામદારનાં મોત નિપજ્યા હતા. આ ઘટનામાં રેસ્ક્યુ માટે આવેલ પાનોલી ફાયર સ્ટેશનના કર્મચારીને પણ ગેસની અસર થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રીય માહિતી મુજબ પાનોલી જીઆઈડીસીમાં આવેલ ઓહમ ડાયકેમ કંપનીમાં કામ કરતા ૩૧ વર્ષીય નરેશ ઓડ રીએક્ટરના ઢાંકણનો બેલ્ટ ટાંકીમાં પડી જતા તે ટાંકીમાં ઉતર્યો હતો. તેને ગેસની અસર થતાં બૂમાબૂમ કરતા પાસે કામ કરતો તેમનો ભત્રીજો ૨૧ વર્ષીય સુનીલ ઓડ તેને બચાવવા ટાંકીમાં ઉતળતા તેને પણ ઝેરી ગેસની અસર થતાં બન્ને બેભાન થઇ ગયા હતા. આ ઘટના એક દિલીપ ઝાલા નામના કામદારે જોતા તાત્કાલિક પાનોલી ફાયર સ્ટેશનમાં જાણ કરતા ફાયર ફાઈટરો દોડી આવી બન્નેને બહાર કાઢ્યા હતા. જો કે, આ બચાવ કામગીરી દરમિયાન એક ફાયરમેનને પણ ગેસની અસર થઇ હતી. ત્રણેયને સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાતા ત્યાંના તબીબોએ નરેશ ઓડ અને સુનિલ ઓડને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગેની જાણ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં કરાતા પીએસઆઇ એસ.ટી. દેસલે સ્ટાફ સાથે દોડી આવી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.