(એજન્સી) બેંગલુરૂ, તા. ૧૭
કર્ણાટકના મુખ્યપ્રધાન કુમાર સ્વામીએ એક કાર્યક્રમમાં ભાવુક ભાષણ આપ્યા બાદ ગઠબંધનમાં કોંગ્રેસ સાથે તનાવપૂર્ણ સંબંધોની અટકળો વચ્ચે તેમણે મંગળવારે જણાવ્યું કે લાચારીને કારણે તેમણે આંસુ સાર્યા નથી. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે તેમણે કોંગ્રેસની વિરૂદ્ધમાં કશું જ કહ્યું નથી. પાર્ટીના કાર્યક્રમમાં ભાવુક થવામાં કશું જ ખોટું પણ નથી. આ તેમનો પારિવારિક કાર્યક્રમ જેવું છે. તેમણે મીડિયા સામે મુદ્દાને ચગાવવાનો આરોપ મુક્યો છે. મીડિયા દ્વારા આ બાબતને ચગાવવાને કારણે ભાજપને તેમની સામે કટાક્ષ કરવાની એક તક મળી ગઇ છે. મીડિયાએ મારા નિવેદનનું ખોટી રીતે અર્થઘટન કર્યું છે. જેડીએસના નેતાએ એવું પણ કહ્યું કે પોતાના ભાષણમાં તેમણે ક્યારેય કહ્યું નથી કે કોંગ્રેસ અથવા તેના નેતાઓ તેમના માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હું લાગણીશીલ માણસ છું પરંતુ આ મારી લાચારી કે મજબૂરી નથી. તેમણે એવો પ્રશ્ન કર્યો કે શું મેં સરકારના કાર્યક્રમમાં આંસુ સાર્યા ? મુખ્યપ્રધાન હોવાને કારણે હું જોરદાર રીતે કાર્યક્રમ લાગુ કરવા માટે કામ કરી રહ્યો છું. તેમણે પત્રકારોને એવું પણ કહ્યું કે હું પોતાના પરિવારના કાર્યક્રમમાં બોલી રહ્યો હતો. મેં પોતાના પરિવારના લોકો સાથે પોતાના દર્દને શેર કર્યું છે. મેં કોંગ્રેસના નેતાઓની કોઇ ટીકા કરી નથી. ભાવુકતામાં સ્વાભાવિક રીતે આંસુ નીકળી જાય છે. મુખ્યપ્રધાન કરતા વધુ હું ભાવનાઓથી ભરેલો એક સામાન્ય માણસ છું.
કુમારસ્વામીએ જણાવ્યું કે તે દિવસે મેં એક કલાક સુધી ભાષણ આપ્યું. ભાષણમાં ક્યારેય એવું કહ્યું નથી કે કોંગ્રેસ અવરોધો ઉભા કરી રહી છે. મીડિયાના મિત્રોને મે ંકહ્યું કે મુશ્કેલીઓ હોવા છતાં મેં લોન માફી અંગે નક્કર પગલાં ભર્યા છે અને કાર્યક્રમો લાગુ કર્યા છે પરંતુ મારા સારા કાર્યો બદલ મને કોઇ પ્રોત્સાહન મળ્યું નથી અને મારી પ્રશંસા થઇ નથી. તેમણે કહ્યું કે આ બાબતે બોલતા હું ભાવુક થઇ ગયો કારણ કે મને લાગે છે કે લોકોને હજી પણ મારામાં વિશ્વાસ નથી.