મૃતક પત્નીના પગ જમીન પર ઢસડાતા ગ્રામજનોને શંકા જતા પતિને પકડી પાડ્યો
ભાવનગર, તા.૧
ભાવનગરના પાલીતાણામાં રહેતા અમિતભાઈ મથુરલાલ (ઉ.વ.૪૦)ના લગ્ન હજુ ૧૧ મહિના પહેલા જ તેનાથી ૧૦ વર્ષ નાની નયનાબેન (ઉ.વ.૩૦) સાથે થયા હતા અને પતિ-પત્નીને લગ્નજીવન દરમિયાન કોઈ સંતાન ન હતું. દંપતી એકલું જ રહેતું અને તે દરમિયાન પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને પતિએ પત્નીની હત્યા કરી તેની લાશને સ્કૂટર પર નાખી ફેંકવા જતો હતો. તે દરમિયાન ઝડપાઈ ગયો હતો. રસ્તામાં લોકો જોઈ જતા દેકારો થતા આ ઘટના પ્રકાશમાં આવી હોવાનું જાણવા મળે છે. પોલીસે આરોપી અમિતની ધરપકડ કરી તપાસ આદરી છે.
અમિત રોહીશાળા ગામની સીમમાં મૃતદેહને ફેંકવા જઈ રહ્યો હતો. ત્યારે મૃતક પત્નીના પગ જમીન પર ઢસડાતા ગ્રામજનોને શંકા જતા અમિતને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેણે એક્ટિવા ભગાવી મૂક્યું હતું. બાદમાં ગ્રામજનોએ તેનો પીછો કરી તેને રોહીશાળા ગામની સીમમાંથી ઝડપી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પાલીતાણા હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યો છે. પોલીસ તપાસ બાદ હત્યા કઈ રીતે કરાઈ તે જાણી શકાશે.