પાસપોર્ટ ઓફિસને ચાલુ કરવા માટે પણ ભાજપ ઉદ્‌ઘાટન સમારોહ યોજે છે

ભાવનગર,તા.રર
વિદેશ મંત્રાલય તથા ભારતીય ડાક વિભાગના સહયોગથી હેડ ઓફિસ ભાવનગર ખાતે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળના હસ્તે શુભારંભ કરાયો હતો. ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશ જોશી, વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ, પ્રવકતા કાળુભાઈ બેલીમ, મહામંત્રી કલ્પેશ મણિયાર સહિતના આગેવાનોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ અગાઉ ભાવનગર શહેરની પોસ્ટ ઓફિસમાં જ પાસપોર્ટ ઓફિસ કાર્યરત હતી. તે ગત ર૦૧રમાં આ કચેરી બંધ કરાઈ હતી. તેમજ ભાવનગર ખાતે પાસપોર્ટ માટે એસ.પી. કચેરીએ કેમ્પ પણ કરવામાં આવતો હતો. આ કેમ્પ પણ છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવાતા ભાવનગર શહેર જિલ્લાના લોકોએ પાસપોર્ટ મેળવવા રાજકોટ અને અમદાવાદ સુધીના ધકકા ખાવા પડતા હતા અને ખર્ચ પણ કરવો પડતો હતો. ત્યારે તેની સામે ભારે વિરોધ થતા અને ભારે હોબાળો થતા ન છુટકે સરકાર દ્વારા પાસપોર્ટ ઓફિસ ભાવનગરને ફાળવવામાં આવી છે.
કોંગી આગેવાનોએ વધુમાં જણાવ્યું છે કે જે પાસપોર્ટ કચેરી ચાલુ હતું તે યેનકેન પ્રકારે બંધ કરવામાં આવી છેલ્લા ૬ એક વર્ષથી લોકો હેરાન પરેશાન થતા હતા. સમય અને ખર્ચનો બગાડ થતો હતો. ત્યારે આજે ફકત પાસપોર્ટ કચેરી શરૂ કરવા માટે ભાવનગરના સાંસદ સહિત સતાધારી ભાજપના નેતાઓ સસ્તી પ્રસિધ્ધિ મેળવવા શહેરના જુદા જુદા વિસ્તારમાં પાસપોર્ટ કચેરીને આવકારતા અને સાંસદની કામગીરીને આવકારતા બેનરો લગાવવામાં આવ્યા, ફકત બંધ કચેરી ચાલુ કરવા માટે મોટા મોટા ઉદઘાટન સમારોહ યોજાયા આ કેટલાક અંશે વ્યાજબી છે. ? લોકો હવે ભાજપને ઓળખી ગયા છે. હાલમાં લોકો ગરીબી, બેકારી, મોંઘવારી, ભાવવધારો, જીએસટી સહિતના મુદ્દે કંટાળી ગઈ છે. તેના પરિણામો આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપે ભોગવવા જ પડશે. આટલા વર્ષો સુધી નિષ્ક્રીય રહેલા ભાવનગરના સાંસદને હવે લોકપ્રશ્નો યાદ આવે છે કારણ કે હવે ચૂંટણી દેખાય છે તેમ કોંગ્રેસના આગેવાનોએ એક નિવેદનમાં જણાવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts