પૂર્વ તાલુકા સદસ્યના તેમના જ ખેતરમાં ઢીમ ઢાળી દેતાં ચકચાર

પાટણ, તા.૯
ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામના પૂર્વ તાલુકા સદસ્ય વાલાભાઈ કાળાભાઈ પરમારનું તેમના ખેતરમાં અજાણ્યા શખ્સો દ્વારા માથાના ભાગે લાકડા જેવા કઠણ ધોકાથી માર મારી ઢીમ ઢાળી દેતા ઝીલિયા સહિત પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મૃતક શુક્રવારે બપોરે ૧ર-૩૦ વાગ્યાના સુમારે પોતાના ટ્યુબવેલ ઉપર ગયા હતા અને સાંજ સુધી પરત ઘરે ન ફરતા તેમનો દીકરો અને દીકરી ખેતરે ગયા હતા તે દરમ્યાન તેમના પિતાની લાશ લોહીલુહાણ હાલતમાં ખાટલામાં જોતા જ ચાણસ્મા પોલીસને જાણ કરતા પોલીસે લાશનો કબજો લઈ ચાણસ્મા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાશને પીએમ માટે મોકલી આપી હતી પરંતુ શુક્રવારે મોડું થઈ જતાં શનિવારે સવારે પેનલ ડૉકટરની ટીમ દ્વારા પી.એમ. કરાવી મૃતકની લાશ વાલી-વારસોને સોંપવામાં આવી હતી.
આ અંગે મૃતકના પુત્ર જગદીશે જણાવ્યું હતું કે મારા પરિવાર કે પિતાજીને ક્યારેય કોઈની સાથે ઝઘડો કે માથાકૂટ થઈ નથી અને તેમણે કોઈના ઉપર શક પણ વ્યક્ત કર્યો ન હતો.
જ્યારે મૃતક વાલાભાઈ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય હતા. તદુપરાંત ર૦૧૧થી ર૦૧પ સુધી તાલુકા પંચાયતના ઝીલિયા (પીંપળ) સીટ ઉપરથી તાલુકા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તદુપરાંત ઝીલિયા સરપંચ તરીકે પણ રહી ચૂક્યા હતા. ભાજપના સંગઠન માળખામાં પણ સારી કામગીરી કરી ચૂક્યા હોવાનું તાલુકા ભાજપના પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું. ઝીલિયા સહિત પંથકમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રે સારી સેવા પ્રદાન કરી હોવાનું પરિવારજનો દ્વારા જણાવાયું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts