પૂર્વ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્યમંત્રી પાસેથી સરકારી આવાસ હવે છીનવી લેવાશે !

(એજન્સી) નવી દિલ્હી, તા.પ
દેશના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી પદ પરથી ફરજ મુક્ત થયા બાદ હવે તેમને સરકારી આવાસ મળશે નહિ, જો એમિક્સ ક્યુરી (ન્યાયમિત્ર)ના આ રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટનો સિક્કો લાગી જાય તો આવા ઢગલાબંધ પૂર્વ મુખ્ય નેતાઓને સરકારી બંગલાઓથી હાથ ધોવા પડી શકે છે.
એમિક્સ ક્યુરી ગોપાલ સુબ્રમણ્મયે કોર્ટને રિપોર્ટ સોંપ્યો છે. આ રિપોર્ટમાં તેમણે કોઈપણ સામાન્ય વ્યક્તિના સરકારી સંપત્તિનો ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. જનહિતમાં દાખલ કરવામાં આવેલ અરજીમાં તપાસ બાદ એમિક્સ તરીકે સુબ્રમણ્યમે પોતાના રિપોર્ટ તૈયાર કર્યો હતો. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ વરિષ્ઠ વકીલને એમિક્સ ક્યૂરી (ન્યાયમિત્ર) તરીકે નિમણૂક આપવામાં આવે છે. સુબ્રમણ્યમે જણાવ્યું કે એકવાર (રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી વગેરે) પદ છોડ્યા બાદ સરકારી ઓફિસની જેમ આવાસ છોડી દેવા જોઈએ. પદ છોડ્યા બાદ તેઓ સામાન્ય નાગરિક બની જાય છે. એમને અન્ય સામાન્ય નાગરિકોથી વધુ સુવિધાઓ મળવી જોઈએ નહિ. જો કે સુબ્રમણ્યમે પદ પરથી હટ્યા બાદના પ્રોટોકલ, પેન્શન અને નિવૃત્તિ બાદ મળતી અન્ય સુવિધાઓ યથાવત રહેવાનું પણ સ્પષ્ટ કર્યું હતું. એમણે જણાવ્યું કે કોઈપણ સામાન્ય નાગરિકને સરકારી સંપત્તિનો ઉપયોગ કરવાની પરવાનગી મળવી જોઈએ નહિ. જસ્ટિસ રંજનની આગેવાની હેઠળની બેંચને સોંપેલ રિપોર્ટમાં જણાવ્યું કે સાર્વજનિક પદ પરથી હટ્યા બાદ સરકારી આવાસનો ઉપયોગ કરવાની પરવાનગી આપવી બંધારણની કલમ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીઓને સરકારી આવાસ મળવા જોઈએ કે નહિ એ સંદર્ભમાં સૂચનો મેળવવા ર૩મી ઓગસ્ટે સુબ્રમણ્મયની એમિક્સ ક્યુરી તરીકે નિમણૂક કરી હતી.
એનજીઓના લોકપ્રહરીએ યુપી સરકાર તરફથી પૂર્વ મુખ્યમંત્રીઓને સરકારી આવાસ આપવાના નિર્ણય સામે કોર્ટમાં જનહિતમાં અરજી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ર૦૧૬માં સુપ્રીમ કોર્ટે પૂર્વ મુખ્યમંત્રીઓને સરકારી આવાસ આપવા કાયદાકીય રીતે ખોટો હોવાનો નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ તત્કાલિન મુખ્યમંત્રી અખિલેશ યાદવે યુપી મિનિસ્ટર્સ (સેલેરીઝ, અલાઉન્સ એન્ડ મિસલેનિયસ પ્રોવિજન્સ) એક્ટમાં સુધારો કરી પૂર્વ મુખ્યમંત્રીઓને સરકારી આવાસ આપવાની નવી યોજના બનાવી દેવામાં આવી. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બનાવેલ આ કાનૂન વિરોધમાં આ જનહિતની અરજી કરવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks