(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
ઇંધણોના ભાવ ઓછા થવાનું નામ નથી લેતા ત્યારે આજે મુંબઇમાં પેટ્રોલના ભાવ લિટરે ૮૦ રૂપિયાને આંબી ગયા હતા જ્યારે રાજધાની દિલ્હીમાં વધીને ૭૨ રૂપિયાથી વધુ થઇ ગયા છે. મુંબઇમાં સોમવારે પેટ્રોલની કિંમત લિટરે ૮૦.૧૦ થઇ ગઇ હતી જ્યારે દિલ્હીમાં ૭૩.૨૩ થઇ ગઇ હતી. લખનઉમાં પેટ્રોલના ભાવ ૭૩.૯૪ રૂપિયા જ્યારે પટનામાં તેનો ભાવ ૭૬.૫૫ થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયદાઓમાં પેટ્રોલના ભાવ ઘટાડવાનું પણ સામેલ હતું. વર્ષ ૨૦૧૪માં સત્તામાં આવ્યા પહેલા મોદી તથા ભાજપના અન્ય નેતાઓ પેટ્રોલની કિંમતો મામલે યુપીએ સરકાર સામે માર્ગો પર ઉતરી પડ્યા હતા. મનમોહન સરકારમાં ઇંધણોની કિમતો ૧૦૦ ડોલરથી વધુ પ્રતિ બેરલ હતા તેમ છતાં આજે ઇંધણના ભાવ સૌથી ઉંચા છે. ત્યારથી અત્યારસુધી ઇંધણોના આંરરાષ્ટ્રીય ભાવ સતત ઘટતા આવ્યા છે પરંતુ સામાન્ય લોકોને તેનો ફાયદો આપવામાં આવ્યો નથી. દર પખવાડિયે ઇંધણોના ભાવની સમીક્ષા થતી હતી તેમાં પણ કેન્દ્ર સરકારે ગયા વર્ષે દરરોજ ભાવની સમીક્ષા કરવાની નવી પ્રલાણી લાવી દીધી હતી. તે સમયે સરકારે એવું કહ્યું હતું કે, આના કારણે રોકેટ ગતિએ વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવોને અંકુશમાં લેવા માટે મદદ મળશે. પરંતુ તેના બદલે આ પ્રલાણી ગ્રાહકો માટે વધુ મોંઘી સાબિત થઇ રહી છે. બીજી તરફ પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવોને જીએસટીના દાયરામાં લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમણે એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, અમે પેટ્રોલ, ડીઝલ અને કેરોસિનને જીએસટીના દાયરામાં લાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ.