અમદાવાદ,તા. ૨૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો હવે શાસક પક્ષ ભાજપને ચોતરફ ઘેરવાના અને તેની વિરૂધ્ધમાં વિરોધ પ્રદર્શનોનું આયોજન કરી રહ્યા છે. મોદી સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલમાં કરાયેલા બેફામ ભાવ વધારા અને મોંઘવારીના મારમાં પ્રજાને પીસી નાંખવાના વિરોધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આવતીકાલે સુભાષબ્રીજ કલેકટર કચેરી ખાતે ધરણાં-દેખાવો અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. મોદી સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઝીંકાયેલા અસહ્ય ભાવવધારા અને વધી રહેલી મોંઘવારીને લઇ પ્રજા ત્રસ્ત બની છે ત્યારે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો ભાજપની સામે ખુલ્લા વિરોધ માટે મેદાનમાં આવ્યા છે.
દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સુભાષબ્રીજ કલેકટર કચેરી ખાતે પેટ્રોલ-ડિઝલના અસહ્ય ભાવવધારાના વિરોધમાં મોદી સરકાર અને ભાજપ સામે જોરદાર દેખાવોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ હાજર રહે તેવી શકયતા છે. આવતીકાલના ધરણાં અને દેખાવોના વિરોધ પ્રદર્શનમાં એઆઇસીસીના પ્રભારી મંત્રી વર્ષાબહેન ગાયકવાડ અને એઆઇસીસી મહામંત્રી દીપક બાબરીયા ખાસ ઉપસ્થિત રહેવાના છે. દરમ્યાન આમ આદમી પાર્ટી દ્વારા પણ આવતીકાલે આ જ મુદ્દાઓ પર મોદી સરકાર અને ભાજપનો વિરોધ કરવા અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં વિરોધ પ્રદર્શન અને દેખાવો-ધરણાંનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારીના પૂતળાનું દહન કરવામાં આવશે અને આપના કાર્યકર્તાઓ બાઇક, ગાડીઓને ધક્કા મારી રેલી કાઢી પેટ્રોલ-ડિઝલના ભાવવધારાને લઇ પ્રજાની વેદનાને વાચા આપશે.