પેટ્રોલ-ડીઝલ પર GST લાગુ કરવા ડે.સીએમનો ઈન્કાર : ભાવો ઘટાડવાની ‘ના’

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૩
સમગ્ર દેશને અનુસંધાને રાજ્યમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડાવા અંગે આજે ફરી એકવાર વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં મુદ્દો ઉઠાવી પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સમાવવા અને વેટના દરો ઘટાડવાની રજૂઆત કરાતા તેની સામે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પેટ્રોલ-ડીઝલ પર જીએસટી લાગુ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર જ્યાં સુધી એકસાઈઝ દરોમાં ઘટાડો નહીં કરે ત્યાં સુધી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના દરોમાં કોઈ ઘટાડો થઈ શકશે નહીં. આમ આ સાથે નાયબ મુખ્યમંત્રીએ ગુજરાત સરકાર પેટ્રોલ-ડીઝલમાં વેટના દરો પણ ઘટાડવાની નથી તેનો સ્પષ્ટ ઈશારો કરી દીધો હતો. પેટ્રોલ-ડીઝલને ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં સામેલ કરવાના કોંગ્રેસ દ્વારા ઉઠાવાયેલા મુદ્દા અંગે જવાબ આપતા નાયબ મુખ્યમંત્રીએ નીતિન પટેલે જણાવ્યું હતું કે, પેટ્રોલિયમ પેદાશોને જીએસટીમાં સમાવેશ કરી શકાય નહીં. પેટ્રોલિયમ પેદાશોને જો જીએસટીમાં સમાવેશમાં કરવામાં આવે તો તે નુકસાનીનો ધંધો કહેવાય ? અને તેનાથી રાજ્યને ઘણું નુકસાન થાય તેમ છે. તેમણે ઉમેર્યું હતું કે પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં ન સમાવવાનો નિર્ણય તમામ રાજ્યોના નાણામંત્રીઓની જીએસટી કાઉન્સિલમાં લેવાયો છે એટલે તેમાં લાગુ થશે નહીં. જીએસટીમાં સમાવેશ કરવાથી તેનો પ૦ ટકા હિસ્સો કેન્દ્રના ફાળે જતો રહેશે. જો એમ થાય તો પછી રાજ્યને આ અંગે કોઈ ફાયદો નહીં થાય. આ સાથે જ જો કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યુટી ના ઘટાડે ત્યાં સુધી પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટી શકે નહીં. આ માટે કોઈ ચોક્કસ ફોર્મ્યુલા કેન્દ્ર સરકાર કે જીએસટી કાઉન્સિલમાં મૂકવામાં આવ્યા બાદ તેમાં વિચારણા કરી શકાય એમ વધુમાં તેમણે ઉમેર્યું હતું. જો કે દેશના તમામ રાજ્યોએ પેટ્રોલિયમ પેદાશોને જીએસટીમાં સમાવેશ ન કરવાનો નિર્ણય સર્વાનુમતે લીધો છે. મંત્રીના જણાવ્યા અનુસાર પેટ્રોલ-ડીઝલ પર ઓછામાં ઓછો ટેક્સ ગુજરાતમાં છે. આખરે પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સ ઘટાડવાની વિપક્ષની માગ નીતિન પટેલે ફગાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પેટ્રોલ-ડીઝલના વેટથી રાજ્ય સરકારોને મોટી આવક થાય છે. તેને સરકાર ગુમાવવા માગતી નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks