કિશોરનો આરોપ છે કે આ ઘટના અને ત્યારબાદ તેનીસાથે કરવામાં આવેલા વ્યવહારને કારણે તેને પોતાની પેલેસ્ટીની અને મુસ્લિમ ઓળખ પર શરમ અનુભવવી પડી
(એજન્સી) તા.૧૪
‘ન્યૂ યોર્ક પોસ્ટ’ના અહેવાલ મુજબ, કેલિફોર્નિયામાં ૧૬ વર્ષીય પેલેસ્ટીની-અમેરિકન વિદ્યાર્થીએ એક સ્કૂલ ડિસ્ટ્રિક્ટ (શાળા વહીવટી તંત્ર) સામે ભેદભાવનો આરોપ લગાવતો કાયદાકીય દાવો દાખલ કર્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે એક શિક્ષકે વિદ્યાર્થીના ‘એડવાન્સ્ડ ઇંગ્લિશ કોર્સ’માં પ્રવેશ અંગેની ચર્ચા દરમિયાન આતંકવાદને લગતી ટિપ્પણી કરી હતી. આ ઘટના ફેબ્રુઆરી ૨૦૨૫ની છે, જ્યારે યુસુફ અબ્દુલ્લા ‘સાયપ્રસ હાઈ સ્કૂલ’માં ૧૪ વર્ષનો વિદ્યાર્થી હતો. ‘એડવાન્સ્ડ પ્લેસમેન્ટ’ (AP) અંગ્રેજી કાર્યક્રમમાં પસંદગી ન થતાં તે તેના અંગ્રેજી શિક્ષક પાસે ગયો હતો. આ વાતચીત દરમિયાન, શિક્ષકે કથિત રીતે તેને કહ્યુંઃ “હું આતંકવાદીઓ સાથે વાટાઘાટો કરતો નથી, એટલે કે ૧૮ વર્ષથી ઓછી ઉંમરના લોકો સાથે.” અબ્દુલ્લાહે બાદમાં શાળાના અન્ય કર્મચારીઓની મદદ માંગી, પરંતુ તેની ચિંતાઓને કથિત રીતે અવગણવામાં આવી. તેના દાવામાં જણાવાયું છે કે શાળાના એક કાઉન્સેલરે તે જ વાતનું પુનરાવર્તન કર્યું અને તેને એક ફિલ્મનો મજાક ગણાવ્યો. એક આસિસ્ટન્ટ પ્રિન્સિપાલે પણ કથિત રીતે તેને કહ્યું કે આ તો માત્ર એક કહેવત કે શબ્દપ્રયોગ છે અને તે તેના (વિદ્યાર્થીના) ઉદ્દેશ્યથી કહેવામાં આવ્યો ન હતો. ત્યારબાદ વિદ્યાર્થીના માતા-પિતાએ ‘એનાહેમ યુનિયન હાઈ સ્કૂલ ડિસ્ટ્રિક્ટ’માં ફરિયાદ કરી, જેના પગલે તપાસ શરૂ કરવામાં આવી. માર્ચ ૨૦૨૫માં પરિવારને લખેલા પત્રમાં, હ્યુમન રિસોર્સિસ ડિરેક્ટર એમી માયાએ જણાવ્યું હતું કે તપાસમાં અપમાનજનક ટિપ્પણીના પુરાવા મળ્યા છે, જે વિદ્યાર્થીઓ પ્રત્યે અપમાનજનક ભાષાના ઉપયોગ અંગેની ડિસ્ટ્રિક્ટની નીતિનું ઉલ્લંઘન કરે છે. ડિસ્ટ્રિક્ટે જણાવ્યું હતું કે આ બાબતને તેમની ગુપ્ત કર્મચારી-વિષયક પ્રક્રિયા દ્વારા ઉકેલવામાં આવશે. જોકે, અબ્દુલ્લાહના વકીલ સમર હબ્બાસે જણાવ્યું હતું કે, આ પછી કોઈ નક્કર શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા નથી.