પેલેસ્ટીની શિક્ષણ મંત્રાલયનું કહેવું છે કે ત્રણ વર્ષના યુદ્ધ દરમિયાન ગાઝાની ૯૦%થી વધુ શાળાઓ નાશ પામી છે

૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પેલેસ્ટીનના ગાઝા પટ્ટીના નુસીરાત વિસ્તારમાં શાળાની ઇમારતોનું દ્રશ્ય; ઇઝરાયેલી હુમલાઓને કારણે તેમાંની મોટાભાગની ઇમારતો નાશ પામી છે અથવા ઉપયોગ માટે અયોગ્ય બની ગઈ છે

 

(એજન્સી) તા.૧૮
પેલેસ્ટીની શિક્ષણ મંત્રી અમજદ બરહામે બુધવારે જણાવ્યું હતું કે ૭ ઓક્ટોબર ૨૦૨૩થી શરૂ થયેલા ત્રણ વર્ષના યુદ્ધ દરમિયાન ગાઝા પટ્ટીમાં ૯૦ ટકાથી વધુ શાળાઓ અને ૮૫ ટકાથી વધુ યુનિવર્સિટીઓ તથા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ નાશ પામી છે. એક નિવેદનમાં બરહામે કહ્યું કે ઇઝરાયેલી સૈન્ય કાર્યવાહી ગાઝામાં શૈક્ષણિક માળખાગત સુવિધાઓને અસર કરવાનું ચાલુ રાખી રહી છે, જેનાથી શિક્ષણ મેળવવાની પ્રક્રિયામાં ગંભીર અવરોધ ઊભો થયો છે. તેમણે કહ્યું કે મુશ્કેલ માનવીય અને સુરક્ષા પરિસ્થિતિઓ હોવા છતાં, મંત્રાલય વર્ચ્યુઅલ શાળાઓ શરૂ કરીને અને ૭૦૦થી વધુ શૈક્ષણિક કેન્દ્રો તથા તંબુઓમાં કામચલાઉ શાળાઓ સ્થાપીને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે પ્રયાસ કરી રહ્યું છે. શિક્ષણ મંત્રાલયના આંકડા મુજબ, યુદ્ધ શરૂ થયા ત્યારથી ગાઝા અને વેસ્ટ બેંકમાં ૨૧,૮૦૬ વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફના સભ્યો માર્યા ગયા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ આંકડામાં ગાઝામાં માર્યા ગયેલા ૧૯,૦૦૦થી વધુ શાળાના વિદ્યાર્થીઓ અને ૧,૩૮૬ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જ્યારે આ પ્રદેશમાં ૩૧,૦૦૦થી વધુ શાળા અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. તેમણે એ પણ અહેવાલ આપ્યો કે ગાઝામાં ૮૦૫ શાળાના કર્મચારીઓ અને ૨૪૬ યુનિવર્સિટીના વ્યાખ્યાતાઓ તથા કર્મચારીઓ માર્યા ગયા છે અને અન્ય હજારો શૈક્ષણિક કર્મચારીઓ ઘાયલ થયા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે વેસ્ટ બેંકમાં પણ વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફે ઇઝરાયેલી દળો દ્વારા ધરપકડનો સામનો કરવો પડ્યો છે. શૈક્ષણિક સુવિધાઓને થયેલા નુકસાન અંગે, મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે ગાઝામાં ૧૭૯થી વધુ સરકારી શાળાઓ અને પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટેની સંયુક્ત રાષ્ટ્રની રાહત અને કાર્ય એજન્સી (ેંદ્ગઇઉછ) દ્વારા સંચાલિત ૧૦૫થી વધુ શાળાઓ સંપૂર્ણપણે નાશ પામી છે. તેમણે ઉમેર્યું કે યુનિવર્સિટીની ૬૩થી વધુ ઇમારતો પણ નાશ પામી છે. બરહામે શૈક્ષણિક માળખાગત સુવિધાઓના વ્યાપક વિનાશ અને સતત માનવીય પડકારો હોવા છતાં પેલેસ્ટીની વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક તકો જાળવી રાખવાની મંત્રાલયની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks