(એજન્સી) લંડન, તા.૨૩
વિખ્યાત પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગની લંડનમાં ‘ટેરરિઝમ એક્ટ’ (આતંકવાદ વિરોધી કાયદા) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. લંડનના ૩૦ ફેનચર્ચ સ્ટ્રીટ સ્થિત પ્લાન્ટેશન પ્લેસમાં ‘એસ્પન ઇન્શ્યોરન્સ’ની ઓફિસ બહાર આયોજિત ‘પ્રિઝનર્સ ફોર પેલેસ્ટીન’ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા બદલ તેમની અટકાયત કરવામાં આવી હતી. ગ્રેટા થનબર્ગ જ્યારે વિરોધ સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમના હાથમાં એક પ્લેકાર્ડ હતું, જેના પર લખ્યું હતું કે, ‘હું પેલેસ્ટીન એક્શનના કેદીઓને ટેકો આપું છું. હું નરસંહારનો વિરોધ કરૂં છું.’
આ વિરોધ પ્રદર્શનની શરૂઆત આજે વહેલી સવારે બે કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી, જેમણે અગ્નિશામક યંત્રોનો ઉપયોગ કરીને એસ્પન ઇન્શ્યોરન્સની બિલ્ડિંગ પર પ્રતીકાત્મક રીતે લોહી જેવો લાલ રંગ છાંટ્યો હતો. ત્યારબાદ આ પ્રદર્શનકારીઓએ બિલ્ડિંગના મુખ્ય દ્વાર પાસે પોતાને લોક-ઓન (બાંધી) લીધા હતા. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ એસ્પન ઇન્શ્યોરન્સ કંપની ઇઝરાયેલને હથિયારો પૂરા પાડતી કંપની ‘એલબિટ સિસ્ટમ્સ યુકે’ને વીમો પૂરો પાડીને નરસંહારમાં મદદગાર બની રહી છે તે તરફ વિશ્વનું ધ્યાન દોરવાનો હતો. એલબિટ સિસ્ટમ્સ ઇઝરાયેલની સૌથી મોટી હથિયાર નિર્માતા કંપની છે, જે તેના ડ્રોન અને જમીની સૈન્ય સાધનોના ૮૫ ટકાથી વધુ હિસ્સાનું ઉત્પાદન કરે છે.આ આંદોલન પેલેસ્ટીન એક્શનના એવા કેદીઓ સાથે એકતા દર્શાવવા માટે કરવામાં આવ્યું હતું જેઓ છેલ્લા આઠ અઠવાડિયાથી (૨ નવેમ્બરથી) જેલમાં ભૂખ હડતાળ પર છે. જેલના પ્રથમ બે કેદીઓ હવે તેમની ભૂખ હડતાળના ૫૨માં દિવસે પહોંચ્યા છે, જ્યાં તેમની સ્થિતિ અત્યંત નાજુક છે અને મૃત્યુનું જોખમ તોળાઈ રહ્યું છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે બ્રિટિશ ન્યાય મંત્રી ડેવિડ લેમીએ ભૂખ હડતાળ કરનારાઓના કાનૂની પ્રતિનિધિઓ અથવા તેમના પરિવારો સાથે વાત કરવાનો ઇન્કાર કરી દીધો છે. ધરપકડ પહેલા ગ્રેટા થનબર્ગે સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, ‘રાજ્યએ આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ અને નરસંહારને રોકવાનો પ્રયાસ કરનારાઓની વાજબી માગણીઓ સ્વીકારીને તેમને મુક્ત કરવા જોઈએ, જે કરવામાં બ્રિટિશ સરકાર નિષ્ફળ રહી છે.’ ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સ્કોટલેન્ડમાં પણ એક પ્રદર્શનકારીની આવી જ રીતે આતંકવાદ વિરોધી કાયદાની કલમ ૧૩ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં ગ્રેટાની ધરપકડને પગલે લંડનમાં પેલેસ્ટીન સમર્થક જૂથોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.