(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૯
પોતાની પુત્રીએ સાસુ તથા પતિના માનસીક, શારીરિક ત્રાસથી કંટાળીને શુક્રવારે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ફરિયાદ આજે યુવતીની માતાએ ગોત્રી પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેરના દાંડિયા બજાર લકડી પુલ પાસે રહેતા પ્રતિભાબેન પ્રકાશભાઈ સોંડકરેની ર૬ વર્ષીય પુત્રી મયુરીના ત્રણ વર્ષ અગાઉ લગ્ન ગોત્રી મધર્સ સ્કૂલ પાછળ જયજલારામ નગરમાં રહેતા ભૂષણ અનીલભાઈ દાબડે સાથે થયા હતા. ભૂષણ (ઉ.વ. ર૮) મેડિકલ રિપ્રેઝન્ટેટીવ તરીકે નોકરી કરતો હતો. મયુરીનું શરૂઆતનું દામ્પત્ય જીવન સુખમય વિત્યુ હતું. તે બે વર્ષની પુત્રીની માતા બની હતી. બાદમાં પતિ ભૂષણ તથા સાસુ ઉર્મિલાબેન દાબડેએ દહેજ માટે મહેણાં ટોણાં મારવાના શરૂ કર્યા હતા. ધરકામ બાબતે પણ ઝઘડા કરી માનસીક, શારીરિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું.
જેથી પતિ અને સાસુના ત્રાસથી કંટાળી મયુરીએ શુક્રવારે સવારે ઘરમાં પ્રથમ માળે પંખાના હુક સાથે ઓઢણી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પુત્રીના મોત માટે તેનો પતિ અને સાસુનો ત્રાસ જવાબદાર છે તેવી ફરિયાદ પ્રતિભાબેને ગોત્રી પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.