
(સંવાદદાતા દ્વારા)
સુરેન્દ્રનગર, તા.૧૩
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પોલીસ મથકમાં ખંડણીના ગુનામાં ઝડપાયેલા સોયબ ગુલામ હુસેન સીદા નામના યુવાનને પોલીસ દ્વારા કથિત માર મારવામાં આવતા યુવાનની બંને કિડની ફેઈલ થઈ ગઈ હોવાનો આક્ષેપ યુવાનના પરિવારજનોએ કર્યો છે. આથી જવાબદાર કર્મીઓ સામે પગલાં લઈ ફરિયાદ નોંધાવાની માંગ કરી છે.
ધ્રાંગધ્રા પોલીસ મથકમાં સોયબ ગુલામ હુસેન વિરૂદ્ધ હિતેશ સામેપુરા નામના શખ્સ પાસેથી ખંડણી માગવા બાબતે ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પોલીસે સોયબની ધરપકડ કરી હતી. ત્યારે યુવાનના પરિવારજનોએ ધ્રાંગધ્રા પોલીસે સોયેબને બેફામ માર માર્યાનો આક્ષેપ કરી જવાબદાર કર્મચારીઓ સામે પગલાં લેવાની માંગ સાથે અધિક કલેકટર ચંદ્રકાન્ત પંડ્યાને આવેદન પણ આપ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પોલીસના મારથી સોયબની બંને કિડની ફેઈલ થઈ ગઈ છે. હાલ અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે જવાબદાર કર્મચારીઓ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવા માંગ કરી છે. આ અંગે જિલ્લા પોલીસ વડા દિપક મેઘાણીએ જણાવ્યું કે આ કેસની તપાસ ડી.વાય.એસ.પી. કક્ષાના અધિકારીને સોંપાઈ છે અને યોગ્ય તપાસ કરી આગળની કાર્યવાહી કરાશે.