પોલીસ ટીમ કિશોરના નાના ભાઈને પોતાની સાથે લઈને પરિવારના ખેતરમાં તપાસ માટે પહોંચી હતી, ત્યારે ડરી ગયેલા ધર્મવીર કાલી નદીમાં કૂદી પડ્યો હતા
(એજન્સી) કન્નૌજ, તા.૧૪
કન્નૌજ જિલ્લાના ગુરસહાયગંજ વિસ્તારમાં દરોડા પાડતી પોલીસ ટીમથી બચવાનો પ્રયાસ કરતી વખતે ૧૫ વર્ષીય દલિત છોકરો નદીમાં ડૂબી ગયો હોવાની આશંકા બાદ કથિત બેદરકારી બદલ ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ અધિક્ષક વિનોદ કુમારે જણાવ્યું હતું કે, આ વર્ષે ૧૦ જાન્યુઆરીએ એક સગીર છોકરીના અપહરણ અંગે દાખલ કરાયેલા અહેવાલના સંદર્ભમાં કાર્યવાહી કરતી પોલીસ ટીમ દેવીપુરવા ગામના રહેવાસી કમલેશ કુમારના ઘરે તેના મોટા પુત્ર કિશનપાલની શોધમાં પહોંચી હતી. મીડિયાના અહેવાલ મુજબ, કિશનપાલ ન મળતાં, તેઓ તેના નાના ભાઈ રામજીત (૧૦)ને તપાસ માટે તેના ખેતરમાં લઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે પોલીસને જોઈને ત્યાં કામ કરતો તેનો ભાઈ ધરમવીર કાલી નદીમાં કૂદી પડ્યો હતો, તેમણે ઉમેર્યું હતું કે SDRF ટીમ ગુમ થયેલા કિશોરને શોધી રહી છે. પોલીસ અધિક્ષક વિનોદ કુમારે ગુરસહાયગંજના SHO આલોક કુમાર દુબે, નૌરંગપુર ચોકીના ઇન્ચાર્જ હરીશ કુમાર અને કોન્સ્ટેબલ રવિન્દ્રને આ ઘટનાના પગલે સસ્પેન્ડ કર્યા હતા.